સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી બેંકના કર્મચારીઓમાં ફફડાટ, રવિવારે યોજાશે મહત્વની બેઠક

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટને તાજેતરમાં એક ચુકાદાથી બેંક કર્મચારીઓને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે કર્મચારીઓને બેંકો દ્વારા આપવામાં આવતી વ્યાજમુક્ત અને ઓછા વ્યાજની લોનને લાભ ગણાવી હતી. તેમજ તેને આવકવેરાના દાયરામાં લાવવાના આદેશો આપવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી બેંકોના લગભગ 10 લાખ કર્મચારીઓને અસર થશે. હવે બેંક યુનિયને આ નિર્ણયની અસરને પહોંચી વળવા કાયદાકીય માર્ગો શોધવાનું શરૂ કર્યું છે. આ મુદ્દે રવિવારે એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે.
ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC) એ શુક્રવારે કહ્યું કે આ વર્ચ્યુઅલ મીટિંગ રવિવારે યોજાવા જઈ રહી છે. યુનિયને ફાઇનાન્શિયલ એક્સપ્રેસને જણાવ્યું હતું કે અમે અમારા કેસને આગળ વધારવા માટે વકીલોની સંખ્યા વધારવાનું પણ વિચારી રહ્યા છીએ. રવિવારે મળનારી બેઠકમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે વિસ્તૃત ચર્ચા થશે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ચેરમેન દિનેશ ખારાએ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અપીલ કરી શકીએ છીએ. અત્યારે અમે નિર્ણયના દરેક પાસાઓ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છીએ. અંતિમ નિર્ણય પર પહોંચ્યા પછી જ આ નિર્ણય પર ટિપ્પણી કરવી યોગ્ય રહેશે.
બેંક ફેડરેશન એ પણ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે શું આ નિર્ણયની અસર માત્ર અગાઉ આપવામાં આવેલી લોન પર પડશે કે પછી ભવિષ્યમાં આપવામાં આવેલી લોન આ કાર્યક્ષેત્રમાં આવશે. જો આ નિર્ણય પહેલાથી જ અસ્તિત્વમાં રહેલી લોન પર લાગુ કરવામાં આવશે તો તે બેંક કર્મચારીઓ પર મોટો આર્થિક બોજ પડશે.
આ ઉપરાંત નિવૃત્ત બેંક કર્મચારીઓ પાસેથી વસૂલાત પણ મોટો મુદ્દો બની જશે. બેંક કર્મચારીઓએ કહ્યું છે કે વીમા કંપનીઓ અને રેલવે સહિત અન્ય વિભાગોના કર્મચારીઓને પણ પણ આ પ્રકારના લાભો ઉપલબ્ધ છે. તેમના પર હજુ સુધી ટેક્સ લાદવામાં આવ્યો નથી.