આ કારણે અખિલેશ યાદવને આઝમગઢથી લોકસભા ચૂંટણી લડવી પડશે…
લખનઉ: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને સમાજવાદી પાર્ટીએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓએ જેર પકડ્યું છે. 2024ની ચૂંટણી પર નજર કરીએ તો I.N.D.I.A ગઠબંધનના તમામ નેતાઓ અલગ-અલગ બેઠકો પર પોતાની રીતે પ્રચાર કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ I.N.D.I.A ગઠબંધનનો હિસ્સો છે, જેમાં હાલમાં બેઠકોની વહેંચણીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ ફરી એકવાર આઝમગઢથી ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યા છે.
2014માં પણ ભારતીય જનતા પાર્ટીની લહેરમાં સપાએ આઝમગઢ સીટ જીતી હતી. અખિલેશ યાદવ પણ 2019માં સમાજવાદી પાર્ટીની આ બેઠક પરથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. જો કે 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન અખિલેશ યાદવ કરહાલથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. અને ત્યારબાદ તેમને આઝમગઢની લોકસભા બેઠક ખાલી કરવી પડી હતી. જો કે હાલમાં આ બેઠક ભારતીય જનતા પાર્ટીના ખાતામાં છે. અને અહીથી દિનેશ લાલ યાદવ નિરહુઆ હાલમાં સાંસદ છે.
2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે અખિલેશ યાદવ અલગ-અલગ બેઠકો માટે વિચાર મંથન કરી રહ્યા છે. હાલમાં જ પાર્ટીમાં અખિલેશ યાદવ કન્નૌજથી, તેમની પત્ની ડિમ્પલ યાદવ મૈનપુરીથી, અખિલેશના કાકા શિવપાલ યાદવ આઝમગઢથી, ધર્મેન્દ્ર યાદવ બદાઉનથી, અક્ષય યાદવ ફિરોઝાબાદથી ચૂંટણી લડી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી હતી. હવે જો પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે તો હાલમાં શિવપાલ યાદવ પોતાની જૂની સીટ જસવંત નગર છોડવા માંગતા નથી. જેના કારણે અખિલેશ યાદવ પોતે આઝમગઢથી ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યા છે.