
નવી દિલ્હી: કેન્દ્રીય પરિવહન મંત્રી તરીકે નીતિન ગડકરી એક પછી એક અવનવા રેકોર્ડ સર્જી રહ્યા છે. જોકે, હાલ તેઓ પોતાના એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે એક અનોખી વિનંતી કરી હતી. આ ખાસ વિનંતી શું હતી? આવો જાણીએ.
ગડકરીને છ મહિના માટે દુબઈ મોકલો
દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તૂમે 8 એપ્રિલ, 2025ના રોજ ભારતની મુલાકાત લીધી હતી. જેનો ઉલ્લેખ કરીને નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, હૈદરાબાદ હાઉસ ખાતે એક બેઠક યોજાઈ હતી.

જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મંત્રીઓ અને દુબઈના ક્રાઉન પ્રિન્સ હાજર હતા. આ બેઠક દરમિયાન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તૂમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી.
દુબઈના ક્રાઉન પ્રિન્સ શું ઈચ્છે છે તે જાણવાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાસ કર્યો હતો. જેના જવાબમાં દુબઈના ક્રાઉન પ્રિન્સે જણાવ્યું હતું કે, “ગડકરીને છ મહિના માટે દુબઈ મોકલી આપો”
આ પણ વાંચો…‘મારી પાસે પૈસાની કોઈ કમી નથી…’ નીતિન ગડકરીએ જાહેરમાં આવું કેમ કહ્યું?
આ સાંભળીને શ્રોતાઓમાં હાસ્ય છવાઈ ગયું હતું. નીતિન ગડકરીએ દાવો કર્યો કે પ્રિન્સે બાદમાં તેમને દિલ્હીની લીલા હોટેલમાં પણ આમંત્રણ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન નીતિન ગડકરીએ પોતાના સંબોધનમાં દેશમાં થઈ રહેલા માર્ગ નિર્માણ કાર્યોની પણ પ્રશંસા કરી હતી. તેમણે દાવો કર્યો કે તેમના મંત્રાલયની મહેનતને કારણે અત્યાર સુધીમાં સાતથી નવ વિશ્વ રેકોર્ડ બન્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, “તમે દેશના કોઈપણ ભાગમાં જાઓ, પછી તે અરુણાચલ પ્રદેશ, મેઘાલય કે ત્રિપુરા હોય, દરેક જગ્યાએ લોકો અને વાહનચાલકો રસ્તાઓની સ્થિતિમાં સુધારાની પ્રશંસા કરે છે.”
આ પણ વાંચો…IIM અમદાવાદનું કેમ્પસ દુબઈમાં શરુ થશે, જાણો કઈ રીતે મળશે એડમીશન