
બેંગલૂરુઃ પ્લેનના ઉડ્ડયન દરમિયાન ક્રૂ-મેમ્બરો કે સાથી મુસાફરો સાથે ગેરવર્તન કરવાના બનાવ અવારનવાર બનતા હોય છે. હવે ફરી એક વાર આવો જ મામલો સામે આવ્યો છે. ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટમાં આવો એક બનાવ બન્યો હતો. જયપુરથી દિલ્હી જતી ફ્લાઈટમાં આવી ઘટના જોવા મળી હતી.
ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 556 જયપુરથી દિલ્હી જઇ રહી હતી ત્યારે તેમાં એક પેસેન્જર દ્વારા એર હોસ્ટેસ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. મુસાફરની ઓળખ રાજસ્થાનના સીકર જિલ્લાના 33 વર્ષીય રણધીર સિંહ તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, આરોપી મુસાફરી દરમિયાન દારૂના નશામાં હતો. આ દરમિયાન વારંવાર ના પાડવા છતાં તેણે એર હોસ્ટેસ સાથે ખરાબ વર્તન કર્યું હતું. એવો આરોપ છે કે તેણે ચેતવણી છતાં એર હોસ્ટેસનો હાથ પકડી લીધો હતો.
મળતી માહિતી મુજબ આરોપી રણધીર સિંહ ફ્લાઇટમાં ગેરવર્તન કરી રહ્યો હતો. તેના સહયાત્રીઓએ ક્રૂ મેમ્બરને તેની ફરિયાદ કરી હતી. કેબિન ક્રૂએ આવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ નશામાં ધુત પેસેન્જરે એર હૉસ્ટેસનો હાથ જ પકડી લીધો હતો. મામલાની ગંભીરતા જોઈને ફ્લાઈટના કેપ્ટને આરોપી મુસાફરને અનુશાસનહીન મુસાફર જાહેર કર્યો હતો. બેંગ્લોર એરપોર્ટ પર કેબિન ક્રૂ દ્વારા રણધીર સિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઈન્ડિગોના અધિકારી વરુણ કુમારે શનિવારે એરપોર્ટ પોલીસને આ અંગે ફરિયાદ કરી હતી. રવિવારે પોલીસે રણધીર સિંહની ધરપકડ કરી હતી.
છેલ્લા કેટલાક મહિનામાં આવી ઘટનાઓમાં વધારો થયો છે. આ પહેલા 11 સપ્ટેમ્બરે પણ આવી જ ઘટના જોવા મળી હતી. અહીં મુંબઈથી ગુવાહાટી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મહિલાની છેડતી થઈ હતી. પીડિત મહિલા મુસાફરનો આરોપ છે કે તેની બાજુમાં બેઠેલા વ્યક્તિએ તેની છેડતી કરી હતી. તેણે કહ્યું હતું કે જ્યારે પ્લેનમાં લાઈટો બંધ થઈ ગઈ ત્યારે તેણે છેડતી કરવાનું શરૂ કર્યું હતું. એક કિસ્સામાં, પ્રવાસ દરમિયાન એક મુસાફરે તેના સહ-મુસાફર પર પેશાબ કર્યો હતો.