કર્ણાટકને દુકાળ રાહત ભંડોળ: સિદ્ધારામૈયા અને અમિત શાહની શાબ્દિક ટપાટપી
બેંગલુરુ/મૈસુરુ: કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે મંગળવારે દુકાળ રાહત ભંડોળના મુદ્દે શાબ્દિક ટપાટપી થઈ હતી.
સિદ્ધારામૈયાએ કેન્દ્રની ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર પર એવો આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા દુકાળ રાહત ભંડોળમાંથી મદદ ન આપીને રાજ્યની જનતા સાથે અન્યાય અને દગો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ અમિત શાહે કહ્યું હતું કે રાજ્યની કૉંગ્રેસની સરકારે રાહત ભંડોળમાંથી મદદ મેળવવા માટેનો પ્રસ્તાવ મોકલવામાં વિલંબ કર્યો હતો.
રાજ્યની કૉંગ્રેસ સરકાર કર્ણાટકના હિતો અને તેના વિકાસ માટે કામ કરતી નથી. મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન… એક પોતાની ખુરશી બચાવવામાં વ્યસ્ત છે અને બીજોે ખુરશી ખેંચી લેવા માટે તત્પર છે. કોઈને કર્ણાટકના લોકોનું ધ્યાન નથી, એમ અમિત શાહે બેંગલુરુમાં કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે કર્ણાટકમાં દુકાળ છે. રાજ્ય સરકાર પ્રસ્તાવ મોકલવામાં ત્રણ મહિના મોડી પડી હતી. અત્યારે આ પ્રસ્તાવ ચૂંટણી પંચ પાસે પડ્યો છે અને તેઓ આ મુદ્દે રાજકારણ કરી રહ્યા છે.
આપણ વાંચો: કર્ણાટકમાં ટિકિટ ફાળવણીને લઈને કૉંગ્રેસ vs કૉંગ્રેસ, 5 વિધાન સભ્યની રાજીનામાની ધમકી
અહીં ઉલ્લેખનીય છે કે કર્ણાટકે 240માંથી 223 તાલુકાને દુકાળગ્રસ્ત જાહેર કર્યા છે. આમાંથી 196ને અત્યંત તીવ્ર દુકાળ ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.
મંગળવારે સવારના ભાગમાં મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાએ મૈસુરુમાં એવો દાવો કર્યો હતો કે અમિત શાહને કર્ણાટકના મતદારો પાસેથી મતો માગવાનો નૈતિક અધિકાર નથી. કેન્દ્ર સરકારે રાજ્યના લોકોને દુકાળ રાહતના ભંડોળમાંથી મદદ ન આપીને તેમની સાથે દગો કર્યો છે. તેમણે કહ્યું હતું કે અમિત શાહ હાઈ પાવર કમિટીના વડા છે.
તેમણે રાહત આપી? તેમની પાસે કર્ણાટકના લોકો પાસેથી મતો માગવાનો ક્યો નૈતિક અધિકાર છે? કર્ણાટક સરકારે પાંચ મહિના પહેલાં કેન્દ્રસરકારનો મદદ માટે સંપર્ક સાધ્યો હતો અને હજી સુધી એકેય પૈસો મળ્યો નથી, એવો દાવો તેમણે પત્રકારો સમક્ષ કર્યો હતો. (પીટીઆઈ)