જમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા; પંજાબના અમૃતસમાં બ્લેક આઉટ

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રને નામ સંદેશમાં પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે હવે કોઈ પણ ઉશ્કેરણીનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. પરંતુ એવું જણાઈ રહ્યું છે કે પાકિસ્તાન ભારતની ચેતવણીને ગંભીરતાથી નથી લઇ રહ્યું. આજે રાત્રે પણ જમ્મુ અને કાશ્મીરના સાંબામાં ડ્રોન દેખાયા હોવાના (Drones Spotted in Samba) અહેવાલ છે.
અહેવાલ મુજબ જમ્મુ અને કાશ્મીરના સાંબામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. સાંબાના આકાશમાં લાલ પટ્ટાઓ દેખાયા હતાં, જે ડ્રોન હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા હોવાના પણ દાવા છે. વિસ્તારમાં વિસ્ફોટો સંભળાયા હતાં.
અમૃતસર બ્લેક આઉટ:
બીજી તરફ પંજાબના અમૃતસર વહીવટીતંત્રે સોમવારે રાત્રે સાવચેતી માટે બ્લેકઆઉટ લાગુ કર્યું હતું. પાકિસ્તાન તરફથી સંભવિત હુમલાની કારણે રાત્રે 8:45 વાગ્યે સાયરન વાગ્યું હતું.
અમૃતસરના ડેપ્યુટી કમિશનરે X પર લખ્યું “12 મે રાત્રે 8:45 વાગ્યે તમને સાયરન સંભળાશે. અમે સતર્ક છીએ અને બ્લેકઆઉટ શરૂ કરી રહ્યા છીએ. લોકોને લાઇટ બંધ કરવા અને બારીઓથી દૂર રહેવા સલાહ આપવામાં આવે છે. શાંત રહો, જ્યારે વીજ પુરવઠો ફરી શરુ કરવા માટે તૈયાર થઈશું ત્યારે અમે જાણ કરીશું. બિલકુલ ગભરાશો નહીં. આ સાવચેતીના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે.”