
નવી દિલ્હી: ટેકનોલોજીના વિકાસ સાથે યુદ્ધની રીતો પણ ઝડપથી બદલાઈ રહી છે, ભારતીય સેના પણ અત્યાધુનિક ટેકનોલોજી સાથે સજ્જ થઇ રહી છે. ભારતીય સેનાએ આધુનિક શાસ્ત્રો અને તાલીમથી સજ્જ “ભૈરવ” અને “અશ્ની” નામની બે નવી બટાલિયનની રચના કરી છે, આ બટાલિયનનોને રાજસ્થાનમાં નસીરાબાદથી બિકાનેર, જેસલમેર અને બાડમેર સુધી તૈનાત કરવામાં આવશે. જેના માટે 1,00,000 થી વધુ ડ્રોન ઓપરેટિવ્સને તાલીમ આપવામાં આવી રહી છે.
ભારતીય સેનાના વરિષ્ઠ ધિકારીઓના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં યુદ્ધ અચાનક અને ઝડપી શરુ થઇ શકે છે. આ યુદ્ધોનો સંપૂર્ણ આધાર ટેકનોલોજી પર હશે. તેથી ભારતીય સેનાને એવા સૈનિકોની જરૂર છે, જેઓ માત્ર શસ્ત્રો ચલાવવામાં જ નહીં પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પણ કુશળ હોય. ભવિષ્યની આ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભૈરવ અને અશ્ની બટાલિયનની રચના કરવામાં આવી છે.
અહેવાલ મુજબ ભારતીય સેના રાજસ્થાનના નસીરાબાદમાં સૈનિકોને ડ્રોન વોર, મલ્ટી-ડોમેન ઓપરેશન્સ, નેટવર્ક-સેન્ટર વોર અને હાઈ-ટેક આર્મ્સ સિસ્ટમ ટ્રેનીંગ આપવામાં આવી રહી છે.
ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપનું પ્રતીક “ભૈરવ” બટાલિયન:
ભૈરવ બટાલિયન એક હાઇબ્રિડ ફોર્સ હશે. આ બટાલીયન ડ્રોન વોર, મેડીકલ ઈમરજન્સી, એક્સપ્લોઝિવ અને ડિજિટલ વોરને સંભાળવા માટે બનાવવામાં આવી છે.
એક ભૈરવ બટાલિયનમાં લગભગ 250 સૈનિકોનો સમાવેશ થાય છે, જેમાં ઇન્ફન્ટ્રી, આર્ટીલરી, એર ડિફેન્સ , સિગ્નલ અને અન્ય કોમ્બેક્ટ સપોર્ટ કર્મચારીઓ સામેલ હશે.
આ વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિતે ભૈરવ બટાલિયન કર્તવ્ય પથ પર માર્ચ કરશે અને સુપ્રીમ કમાન્ડરને સલામી આપશે. અત્યાર સુધીમાં, કુલ 15 ભૈરવ બટાલિયન તૈયાર કરવામાં આવી છે અને થોડા મહિનામાં લગભગ વધુ 12 બટાલિયનની તૈયાર કરવામાં આવશે.
ભૈરવએ ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપનું પ્રતીક છે, જેના પરથી આ બટાલીયનનું નામ આપવામાં આવ્યું છે.
વીજળીથી ઝડપે હુમલો કરતી અશ્ની બટાલિયન:
અશ્ની બટાલિયનને ભારતીય સેનાની શોક એન્ડ સ્ટ્રાઈક ફોર્સ તરીકે તૈયાર કરવામાં આવી છે. આ બટાલિયન દુશ્મન સેનાના એડવાન્સ ડિફેન્સને તોડવા અને નિર્ણાયક ક્ષણોમાં યુદ્ધની દિશા બદલવા માટે બનાવવામાં આવી છે. આ બટાલીયનના સૈનિકોને ડ્રોન અને રીઅલ-ટાઇમ ઇન્ટેલિજન્સની ખાસ ટ્રેનીંગ આપવામાં આવી રહી છે.
આ બટાલિયન પાસે કામિકાઝી ડ્રોન અને બોમ્બ ફેંકવા માટેના અનમેન્ડ એરિયલ વેહિકલથી સજ્જ હશે.



