દેશમાં ઇન્દોર સહિત સાત મોટા શહેરમાં જીવન સમાન જળ બન્યું ‘કાળ’

દૂષિત પાણી પીવાથી ફેલાઈ રહ્યા છે જીવલેણ રોગો; જાણો કયા શહેરોની હાલત છે ગંભીર
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી ૨૦ લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ગંભીર બિમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે. ઇન્દોરની આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. જો કે આ વાત આટલે જ અટકતી નથી, માત્ર ઇન્દોરમાં જ નહીં પરંતુ દેશના ઘણા મોટા શહેરોમાં પણ લોકોને દૂષિત પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
દેશના સાત મોટા શહેરોમાં લોકો દૂષિત પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરથી લઇને તેલંગાણાના હૈદરાબાદ, ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડા, મધ્ય પ્રદેશના ઇન્દોર અને ભોપાલ અને હરિયાણાના રોહતક અને ઝજ્જર સુધીનું પાણી પરીક્ષણમાં નાપાસ સાબિત થયું છે.
ગાંધીનગરમાં દૂષિત પાણી પીવાથી ટાઇફોઇડના ૧૦૮ કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ બે લોકોના મોત થયા છે. તો એક મીડિયા અહેવાલ મુજબ હૈદરાબાદમાં છ સ્થળોએથી નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી ચાર સ્થળોએ પાણી ખૂબ જ દૂષિત હોવાનું બહાર આવ્યું હતું. પાણીમાં ગટર, કોલિફોર્મ બેક્ટેરિયા અને ઔદ્યોગિક કચરો મળી આવ્યો હતો.
સમાચાર એજન્સીના એક અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં પણ દૂષિત પાણી પીવાથી લોકોને ઉલટી, તાવ, પેટમાં દુખાવો અને ઝાડા થયાની ફરિયાદો ઉઠી હતી. જો કે ગ્રેટર નોઇડા ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ પાઇપલાઇનમાં ગટરનું પાણી હોવાના દાવાઓને નકારી કાઢ્યા છે.
હરિયાણાના રોહતક અને ઝજ્જર જિલ્લાઓમાં પણ લોકોએ ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાની ફરિયાદ કરી છે. અન્ય એક મીડિયા અહેવાલ અનુસાર ઘણા રહેવાસીઓ રોજિંદા ઉપયોગ માટે કાં તો ટેન્કરનું પાણી ખરીદે છે અથવા તો અન્ય જગ્યાએથી પાણી મંગાવે છે.
મધ્ય પ્રદેશમાં ઇન્દોર ઉપરાંત ભોપાલના ભૂગર્ભજળમાં પણ કોલાઇ બેક્ટેરિયા મળી આવ્યા છે. આ બેક્ટેરિયાને કારણે ઇન્દોરમાં ૨૦ લોકો કાળનો કોળીયો બન્યા હતા. ભોપાલ મ્યુનિસિપલ કોર્પોરેશને ભૂગર્ભજળના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ શહેરોમાં દૂષિત પાણી પીવાથી લોકો ઝાડા, ઉલટી, કોલેરા, ટાઇફોઇડ અને ડાયરિયા જેવી સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે. ઉપરાંત કેટલાક લોકોમાં ગિલિયન બેરે સિન્ડ્રોમ પણ જોવા મળી રહ્યો છે.



