Lok sabha Election 2024 : પરિણામ પૂર્વે વિપક્ષે ઠંડાઈ પીવી જોઇએ, યોગી આદિત્યનાથનો મતદાન બાદ વિપક્ષ પર કટાક્ષ
લખનઉ: લોકસભા ચૂંટણી 2024 (Lok sabha Election 2024)અંતર્ગત સાતમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ(Yogi Adityanath) સવારે સાત વાગ્યે જૂના ગોરખપુરના શહેર વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા ગોરખનાથ (ગર્લ્સ)ના બૂથ નંબર 223 પર પહોંચ્યા અને પોતાનો મત આપ્યો. આ અવસરે તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે, જનતા વર્તમાન સરકારના કાર્યો અને અગાઉની સરકારોના કાર્યોને જોઈને મતદાન કરી રહી છે.
ઠંડાઈ પીવી સારી બાબત છે
પરિણામ આવતા પૂર્વે વિપક્ષની સમીક્ષા બેઠક અંગે તેમણે કહ્યું કે આ લોકો છેલ્લી વાર બેસશે કારણ કે 4 જૂન પછી આ તમામ પાર્ટીઓ એકબીજા પર આરોપ લગાવશે અને એકબીજાને અપશબ્દો બોલશે. તે પૂર્વે એકવાર ઠંડાઈ પીવી સારી બાબત છે જેથી અપશબ્દો ઓછા બોલાય.
વડાપ્રધાનનું સમગ્ર જીવન ભારત માતાને સમર્પિત
વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 45 કલાકના ધ્યાન પર તેમણે કહ્યું કે વડાપ્રધાનનું સમગ્ર જીવન ભારત માતાને સમર્પિત છે. તેમની પૂજા આધ્યાત્મિક અને રાષ્ટ્રીય ઉપાસના છે. ભારત માતાના ચરણોમાં આ પૂજા રાષ્ટ્રને સમર્પિત છે. આ ભારતની પરંપરા છે. જે લોકો ભોગવિલાસ, ભ્રષ્ટાચાર, અનૈતિકતા અને દુરાચારમાં સંડોવાયેલા છે તેઓ આધ્યાત્મિક ઉપાસનાને સમજી શકતા નથી.
મતદારોનો આભાર માન્યો
સીએમ યોગીએ કહ્યું કે લોકશાહીના મહાન તહેવાર લોકસભા ચૂંટણી 2024ના અંતિમ તબક્કામાં આજે ઉત્તર પ્રદેશની 13 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. દેશમાં છેલ્લા અઢી મહિનાથી વધુ સમયથી સામાન્ય લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે વિવિધ પક્ષોએ જનતા સમક્ષ તેમના મુદ્દાઓ રજૂ કર્યા. પોતાની સરકારના કાર્યોને ગણાવ્યા. આજે 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. દેશમાં પ્રતિકૂળ હવામાન છતાં મતદારોએ ઉત્સાહ દર્શાવ્યો છે. હું તેમનો આભાર વ્યક્ત કરું છું.