
લદાખ: ‘ઑપરેશન સિંદૂર’માં ભારતીય સેનાના હથિયારોની ક્ષમતા સમગ્ર વિશ્વએ જોઈ લીધી છે. ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ અને ડ્રોન દ્વારા પાકિસ્તાન પર હુમલા કરવામાં આવ્યા હતા. વાયુસેનાના આ હુમલાઓમાં આકાશ પ્રાઈમ એર ડિફેન્સ સિસ્ટમે પણ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. જેનું આજે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ડીઆરડીઓ દ્વારા લદાખમાં કરાયું પરીક્ષણ
‘આકાશ પ્રાઇમ એર ડિફેન્સ સિસ્ટમ’એ ડીઆરડીઓ દ્વારા સ્વદેશી રીતે વિકસાવેલી સીસ્ટમ છે. લદાખના 15,000 ફૂટથી વધુની ઊંચાઈએ આ સીસ્ટમને તૈયાર કરનારા ડીઆરડીઓના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આજે તેનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણમાં આ સિસ્ટમે ધરતીની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોને છોડીને ખૂબ જ ઊંચી ગતિએ ઉડતા હવાઈ લક્ષ્યોને ધ્વસ્ત કર્યા હતા. સંરક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર, આ સિસ્ટમે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પણ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. આ સિસ્ટમે ચીનના ફાયટર જેટ અને તુર્કી ડ્રોન દ્વારા પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા હતા.
આકાશ પ્રાઈમ એર ડિફેન્સ સિસ્ટમની ખાસિયત
આકાશ એર ડિફેન્સ સિસ્ટમ એક મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ છે. જે હવાઈ જોખમો સામે રક્ષણ પૂરું પાડવા માટે તૈયાર કરવામાં આવી છે. આ સિસ્ટમ લશ્કરી સૈનિકો અને તેમની ચોકીઓનું રક્ષણ કરી શકશે. તે આધુનિક રીઅલ-ટાઇમ મલ્ટિ-સેન્સર ડેટા પ્રોસેસિંગ અને જોખમનું મૂલ્યાંકન કરવાની ક્ષમતા ધરાવે છે. જે તેને એક જ સમયે અનેક દિશાઓથી આવતા અનેક લક્ષ્યોને ઓળખવા અને હુમલો કરવાની મંજૂરી આપે છે. આકાશ પ્રાઇમ સિસ્ટમને હવે ભારતીય સેનાના હવાઈ સંરક્ષણના ત્રીજી અને ચોથી રેજિમેન્ટનો ભાગ બનશે.
ભારત-પાકિસ્તાનની સરહદ પર તૈનાત આકાશ
ઉલ્લેખનીય છે કે, સ્વદેશી રીતે વિકસાવેલી આકાશ એર ડિફેન્સ સિસ્ટમે જમ્મુ અને કાશ્મીરમાં પશ્ચિમી સરહદ અને નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ઘણા ડ્રોન હુમલાઓને રોકવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ભારતીય સેના અને વાયુસેના બંનેએ આ આકાશ સિસ્ટમને પાકિસ્તાન સરહદ નજીક મોટા પાયે તૈનાત કરી છે, જે ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીને વધુ મજબૂત બનાવે છે.