DRDO એ આધુનિક મિસાઈલ VSHORADS નું ત્રીજું સફળ પરીક્ષણ કર્યું, હવાઇ હુમલા વિરુદ્ધ વધશે સુરક્ષા

નવી દિલ્હી : ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને ( DRDO)આજે વધુ એક સફળતા હાંસલ કરી છે. DRDO એ શનિવારે આધુનિક મિસાઇલ VSHORADS નું ત્રીજું સફળ પરીક્ષણ કર્યું. આ પરીક્ષણ પોખરણ એટોમિક રેન્જમાં કરવામાં આવ્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ સફળ પરિક્ષણ માટે ડીઆરડીઓ, ભારતીય સેના અને અન્ય કંપનીઓને અભિનંદન પાઠવ્યા હતા. રાજનાથ સિંહે કહ્યું કે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ નવી મિસાઈલ હવાઈ ખતરા સામે સશસ્ત્ર દળોને વધુ તકનીકી મદદ પૂરી પાડશે.
VSHORADS એક સ્વદેશી મિસાઈલ
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને (DRDO)આ ટૂંકા અંતરની એર ડિફેન્સ સિસ્ટમ મિસાઈલના બે સફળ પરીક્ષણ કર્યા હતા. જ્યારે હવે ત્રીજા ટેસ્ટમાં પણ મિસાઈલે સફળતાપૂર્વક લક્ષ્યને હાંસલ કર્યું છે. VSHORADS, એક મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ (MANPAD),એક સ્વદેશી મિસાઈલ છે જે સંશોધન કેન્દ્ર ઈમરત (RCI) દ્વારા DRDO અને ભારતીય ઉદ્યોગ ભાગીદારો સાથે મળીને વિકસાવવામાં આવી છે. આ મિસાઈલમાં રિએક્શન કંટ્રોલ સિસ્ટમ (RCS)અને ઈન્ટિગ્રેટેડ એવિઓનિક્સ જેવી અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ થાય છે. આ મિસાઈલનો હેતુ ડ્રોન વગેરે જેવી ઓછી ઉંચાઈ પર ઉડતા હવાઈ જોખમોને નિષ્ક્રિય કરવાનો છે.