ગુજરાતમાં ફળોના ભાવમાં ધરખમ વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ભાદરવા મહિનાની શરૂઆતની સાથે જ હવે તહેવારોની પણ શરૂઆત થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં ગણેશ ઉત્સવનું પર્વ ચાલી રહ્યું છે અને ગણેશ ઉત્સવના પર્વમાં પ્રસાદી માટે લોકો ફળનો ઉપયોગ વધુ કરતા હોય છે. રાજ્યમાં અચાનક જ ફળોના ભાવમાં કિલોએ રૂ. 200થી રૂ.300 નો વધારો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ભારે વરસાદના કારણે અને જિલ્લામાંથી આવતી ફળની ગાડીઓ બંધ થઈ હોવાથી તેમજ અન્ય રાજ્યમાં પણ ભારે વરસાદના કારણે હાલમાં ફળોમાં પુરતો માલ આવતો ન હોવાના કારણે ભાવમાં વધારો થયો હતો. જેના કારણે રાજ્યના લોકોનું બજેટ ખોળવાઇ ગયું છે. આ ઉપરાંત રાજ્યની બહારથી આવતાં ફળોની પણ અછત થઈ રહી છે. જેના કારણે સામાન્ય ભાવમાં મળતાં ફળો પણ હાલમાં 200 રૂપિયાથી પણ વધુ મોંઘા થઈ ગયા છે. એટલું જ નહીં સામાન્ય વપરાશના કેળાના ભાવ ડઝનનાં રૂ. 60થી 70, સફરજન કિલોએ રૂ. 300, ચીકુ રૂ. 60થી 80, જામફળ રૂ.100થી 120 તો મોસંબી ડઝનના 150થી 170 રૂ. બોલાય છે. સામાન્ય દિવસોમાં 100 રૂપિયે કિલો મળતા ફળના ભાવ અત્યારે 300 રૂપિયે પહોંચી ગયા છે.