ડૉ. વર્ગીસ કુરિયનના જન્મ દિવસે મધ્ય પ્રદેશના ગામમાં ‘મિલ્ક ડે’ની ભવ્ય ઉજવણી કરાઈ, પશુપાલકોએ ભાગ લીધો

મંદસૌરઃ સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સહકારી સંઘ લિમિટેડ દ્વારા સંચાલિત મંદસૌર દૂધ ચિલિંગ સ્ટેશને અમૂલના સ્થાપક ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિન પર મિલ્ક ડેની પ્રદેશ રાજ્યના મંદસૌર જિલ્લાના બાલગુડા ગામ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 16 ડિસેમ્બર, 1946ના રોજ, ત્રિભુવનદાસ પટેલે આણંદમાં સહકારી અમૂલ ડેરીની સ્થાપના કરી હતી. આ ડેરીની શરૂઆત દરરોજ 247 લિટર દૂધથી કરવામાં આવી હતી. 1950માં, ડૉ. વર્ગીસ કુરિયનને સંચાલન સોંપવામાં આવ્યું હતું. ત્યારથી અમૂલના અસ્તિત્વના 80 વર્ષોમાં, અમૂલ ઉત્પાદનો અને દૂધ વિશ્વભરના દરેક ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે.
કુરિયનનો જન્મદિવસ મિલ્ક ડે તરીકે ઉજવાય છે
ડૉ. વર્ગીસ કુરિયનનો જન્મદિવસ 26 નવેમ્બર 1921થી સમગ્ર વિશ્વમાં દૂધ દિવસ ઉજવવામાં આવે છે. આ અંતર્ગત હિંમતનગર સ્થિત સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ દ્વારા સંચાલિત મધ્યપ્રદેશના મંદસૌર દૂધ શીતકેન્દ્ર સેન્ટર દ્વારા મંદસૌર જિલ્લાના બાલગુડા ગામમાં પ્રથમ વખત દૂધ દિવસ (મિલ્ક ડે ) ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. બાલાગુડા દૂધ સમિતિના અધ્યક્ષ દશરથ પાટીદારના અધ્યક્ષ સ્થાને મંદસૌર દૂધ ચિલિંગ સેન્ટરના ઈનચાર્જ મહેન્દ્ર પ્રસાદ અને ઘનશ્યામ પાટીદાર અને દૂધ સમિતિના સંચાલકો અને આસપાસના વિસ્તારોના મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: રાહત ! મધર ડેરીએ ટોન્ડ ટેટ્રા પેક દૂધ, માખણ અને ઘીના ભાવમા ઘટાડાની જાહેરાત કરી
દૂધનો વ્યવસાય વધારવા માટે આગ્રહ કર્યો
આ કાર્યક્રમની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં, ડૉ. વર્ગીસ કુરિયનની પ્રતિમાને માળા અર્પણ કરવામાં આવી હતી અને કાર્યક્રમનું સંચાલન ઘનશ્યામ પાટીદાર દ્વારા કરવામાં આવ્યું હતું. મંદસૌર દૂધ ચિલિંગ સેન્ટરના ઈનચાર્જ મહેન્દ્ર પ્રસાદે અમૂલ અને ડૉ. વર્ગીસ કુરિયન વિશે વિગતવાર માહિતી આપી હતી. આ સાથે ગીર ગાયના દૂધ, ગૌમૂત્ર અને ગાયના છાણના ફાયદાઓ વિશે પણ ખાસ વાત કરવામાં આવી હતી. દરેક લોકોને દૂધનો વ્યવસાય વધારવા માટે આગ્રહ કરવામાં આવ્યો અને દરેકને ઘરે ગીર ગાય રાખવાનું કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: GSTમાં ધરખમ ફેરફાર છતાં અમૂલ દૂધના ભાવ નહીં ઘટે, ડેરીના એમડીએ સ્પષ્ટતા કરી
ડેરીના ચેરમેન પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સહકારી સંઘ લિમિટેડના ચેરમેન અને ગુજરાત કો ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પૂર્વ ચેરમેન શામળભાઈ પટેલ, સાબરડેરીના મેનેજિંગ ડિરેક્ટર સુભાષ ભાઈ પટેલ અને મધ્યપ્રદેશ રાજ્યના સાબરડેરીના વિભાગીય અધિકારી ડૉ. ડીડી પટેલના નિર્દેશન મુજબ આ મિલ્ક ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિવસ પર ખાસ દૂધ દિવસ (મિલ્ક ડે )ઉજવવામાં આવે છે. જેની મંદસૌર જિલ્લાના બાલગુડા ગામમાં પણ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.



