
નવી દિલ્હીઃ ફરીદાબાદ જૈશ મોડ્યૂલમાં ધરપકડ કરાયેલી ડૉ. શાહીન શાહિદને લઈ મોટો ખુલાસો થયો છે. તપાસ એજન્સી મુજબ, શાહીન છેલ્લા ઘણા સમયથી નકલી એડ્રેસ પર લેવામાં આવેલા મોબાઇલ સિમનો ઉપયોગ કરતી હતી. આ સિમ તેના મોટાભાગના સંપર્ક અને ગતિવિધિમાં ઉપયોગમાં લેવાયું હતું. જેના કારણે એજન્સીઓની શંકા વધુ ગાઢ બની હતી.
કોના સરનામા પર ખરીદ્યું હતું સિમ કાર્ડ
સૂત્રો અનુસાર, વર્ષ 2023માં શાહીને ફરીદાબાદની એક મસ્જિદના સરનામે સિમ કાર્ડ લીધું હતું. આ સરનામું ન તો તેનું કાયમી સરનામું હતું અને ન તો તે તે વિસ્તાર સાથે ક્યારેય સીધી રીતે જોડાયેલી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું કે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીના હોસ્ટેલમાં રહેવા દરમિયાન પણ તે આ જ નંબરનો સૌથી વધુ ઉપયોગ કરતી હતી. એજન્સીઓનું માનવું છે કે બનાવટી (નકલી) સરનામાનો ઉપયોગ તેની ગતિવિધિઓને છુપાવવાનો એક માર્ગ હોઈ શકે છે.
કોનું લખાવતી હતી સરનામું
ચોંકાવનારી વાત એ છે કે શાહીન ક્યારેય પોતાના લખનઉ સ્થિત પિતાના ઘરને કાયમી સરનામું લખતી ન હતી. તેના બદલે તે પોતાના ભાઈ ડૉ. પરવેઝ અન્સારીના ઘરનું સરનામું કાયમી સરનામું જણાવતી હતી.. ડૉ. પરવેઝનું નામ પણ શંકાસ્પદ ગતિવિધિઓ અને તપાસના દાયરામાં છે.
ટ્રાવેલ હિસ્ટરી પણ આવી સામે
તપાસમાં શાહીનની ટ્રાવેલ હિસ્ટરી પણ સામે આવી છે, જેમાં જાણવા મળ્યું કે વર્ષ 2013માં કાનપુરની નોકરી છોડ્યા પછી તે થોડા દિવસો માટે થાઇલેન્ડ પણ ગઈ હતી. એજન્સીઓ આ યાત્રાનો હેતુ શું હતો અને ત્યાં તેની કયા લોકો સાથે મુલાકાત થઈ હતી તે જાણવાની કોશિશ કરી રહી છે.
આ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી
આ ઉપરાંત, બે મહિના પહેલા શાહીન લખનઉ આવી હતી, અને આ દરમિયાન તે પોતાના ભાઈ પરવેઝ અન્સારીને લઈને કાનપુર પણ ગઈ હતી. યુપી એટીએસઅને ઇન્ટેલિજન્સ યુનિટ આ અવરજવરના હેતુ અને તેમાં સામેલ વ્યક્તિઓની ભૂમિકા જાણવા માટે તપાસ કરી રહ્યા છે. શાહીનના યુપી કનેક્શન, શંકાસ્પદ સિમ કાર્ડ, ફરીદાબાદ મોડ્યુલમાં ભૂમિકા અને તેનાથી જોડાયેલા સંપર્કોને લઈને એજન્સીઓ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ પણ વાંચો…દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ તેજ , પઠાણકોટથી ડો. ઉમરના સંપર્કમાં રહેલા ડોકટર રઈસની ધરપકડ



