યુપીના ડોક્ટર કફીલ ખાને ફિલ્મ ‘જવાન’ માટે શાહરૂખ ખાનનો આભાર વ્યક્ત કરવા પત્ર લખ્યો
વર્ષ 2017 માં ઉત્તર પ્રદેશના ગોરખપુરની હોસ્પિટલમાં બાળકોના મૃત્યુના બાદ ચર્ચાનું કેન્દ બનાવનાર ડૉ. કફીલ ખાને ‘જવાન’ ફિલ્મ માટે શાહરૂખ ખાનનો આભાર માન્યો છે, આ માટે તેમણે એક પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં તેમણે દાવો કર્યો હતો કે આ ફિલ્મનો એક હિસ્સો ગોરખપુરમાં થયેલા બાળકોના મૃત્યુની ઘટનાથી પ્રેરિત છે, જેના કારણે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. શાહરૂખ ખાનના બાંદ્રાના ઘર મન્નતના સરનામે લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “મહત્વપૂર્ણ સામાજિક-રાજકીય મુદ્દાઓને સંબોધવાના માધ્યમ તરીકે સિનેમાનો ઉપયોગ કરવા માટેની તમારી અસાધારણ પ્રતિબદ્ધતા માટે તમારો આભાર માનું છું.”
‘જવાન’ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રાએ નીભાવેલા ડૉ.ઇરમના પાત્રને સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા કરવા માટે સંઘર્ષ કરતા દર્શાવવામાં આવ્યું છે જ્યાં બાળકોને ગંભીર બીમારીને કારણે દાખલ કરવામાં આવે છે. ઓક્સિજનના અભાવે બાળકો મૃત્યુ પામે છે અને ડૉક્ટરને જવાબદાર ગણીને જેલમાં ધકેલી દેવામાં આવે છે, જ્યારે વાંક નેતાઓ અને અધિકારીઓનો હોય છે. કફીલ ખાન સાથે કંઇક આવુ જ બન્યું હતું.આ પત્રમાં કફીલ ખાને લખ્યું છે કે, આશાનું કિરણ બનવા બદલ ફરી એકવાર આભાર.
2017 માં, ગોરખપુરની એક હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયના અભાવે 63 બાળકોના મૃત્યુ પછી બાળરોગ નિષ્ણાતને સસ્પેન્ડ કફીલ ખાનને કરવામાં આવ્યા હતા. તેની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ડૉ. ખાને તમામ આરોપોમાંથી નિર્દોષ છૂટી જવાનો દાવો કર્યો હતો. ડોકટરે કહ્યું, “ફિલ્મમાં ગોરખપુર એન્સેફાલીટીસની દુ:ખદ ઘટનાના જેવા કરુણ દ્રશ્યએ મારા હૃદય પર અમીટ છાપ છોડી દીધી છે.”
ડૉ.કફીલ ખાને પોતાના પત્રમાં એમ પણ કહ્યું હતું કે તે શાહરૂખ ખાન, ‘જવાન’ના દિગ્દર્શક એટલા કુમાર અને ફિલ્મ ક્રૂનો આભાર વ્યક્ત કરવા માટે મળવા માંગે છે.