ડો. આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમાનું થશે અનાવરણ, જાણો શું છે તેની ખાસિયત?
વિજયવાડા: ભારતીય બંધારણના નિર્માતા ડો બી આર આંબેડકરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું (Tallest Statue of Dr B.R Ambedkar) આજે એટલે કે શુક્રવારે આંધ્રપ્રદેશના વિજયવાડામાં અનાવરણ થવા જઈ રહ્યું છે. પ્રતિમાનું અનાવરણ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી Y S જગન મોહન રેડ્ડી (C MYS Jagan Mohan Reddy) કરશે. જમીનથી 206 ફૂટની ઊંચાઈએ આવેલી ‘સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ’ની પ્રતિમા વિશ્વની ટોચની 50 સૌથી ઊંચી પ્રતિમાઓની યાદીમાં હશે, જેમાં સરદાર વલ્લભાઈ પટેલની ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’નો સમાવેશ થાય છે. ડો બાબા સાહેબ આંબેડકરની બીજી સૌથી ઊંચી પ્રતિમા 175 ફૂટ છે. તે પડોશી રાજ્ય તેલંગાણામાં આવેલું છે.
આ પ્રતિમાની વિશેષતાની જો વાત કરવામાં આવે તો વિશ્વની સૌથી ઊંચી આંબેડકર પ્રતિમા છે. તેની કુલ ઊંચાઈ 206 ફૂટ છે. આ પ્રતિમાનું સંપૂર્ણ નિર્માણ ‘મેડ ઈન ઈન્ડિયા’ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યું છે. આ પ્રતિમામાં 81 ફૂટનું પ્લેટફોર્મ છે જેના પર 125 ફૂટ ઊંચી પ્રતિમા ઊભી છે.
આપને જણાવી દઈએ કે 18.81 એકર જમીનમાં ફેલાયેલી આ પ્રતિમાના નિર્માણમાં 404.35 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. તેના બાંધકામમાં લગભગ 400 ટન સ્ટીલનો ઉપયોગ થાય છે. પ્રતિમાની આસપાસ અન્ય અનેક સુવિધાઓ સાથે મ્યુઝિકલ ફાઉન્ટેન બનાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત, 2,000 લોકોની બેઠક ક્ષમતા સાથેનું કોન્ફરન્સ સેન્ટર અને 8,000 ચોરસ ફૂટનું ફૂડ કોર્ટ અને બાળકો માટે પ્લેઈંગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે અમેરિકાના મેરીલેન્ડમાં ભારત બહારની સૌથી ઊંચી આંબેડકર પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ નામની આ પ્રતિમા 19 ફૂટ ઊંચી છે અને તેને શિલ્પકાર રામ સુતાર દ્વારા બનાવવામાં આવી છે, જેમણે સરદાર પટેલની પ્રતિમા પણ બનાવી છે.
આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ ટ્વિટર પર લખ્યું છે કે, અમારી સરકાર દ્વારા વિજયવાડામાં બનાવવામાં આવેલ આંબેડકરનું 206 ફૂટનું મહાશિલ્પમ માત્ર રાજ્ય માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગર્વની વાત છે.