નેશનલ

ક્રાઈમ કેપિટલ: દિલ્હીમાં દહેજ ભૂખ્યા પતિએ મહિલા કમાન્ડોની હત્યા કરી, મર્ડર પછી ભાઈને કહ્યું હતું….

નવી દિલ્હીઃ ભાઇને છેલ્લો ફોન કરવો, કાન ચીરતી ચીસો, ફોનનું કપાઇ જવું અને પછી પતિ દ્વારા હત્યાની કબૂલાત કરવી. દિલ્હી પોલીસની એક મહિલા કમાન્ડોના મૃત્યુ પહેલાની છેલ્લી પાંચ મિનિટ ભયાનક હતી. મહિલા કમાન્ડોને તેના પતિએ જ મોતને ઘાટ ઉતારી દીધી હતી, જે કિસ્સાએ ચકચાર જગાવી છે.

સ્પેશિયલ વેપન્સ એન્ડ ટેક્ટિક્સ(એસડબ્લ્યુટી)માં કમાન્ડો તરીકે તહેનાત ૨૭ વર્ષીય મહિલા પોલીસકર્મીનું મંગળવારે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની એક ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. મહિલા પર પતિ દ્વારા કથિત રીતે હુમલો થયાના થોડા દિવસો બાદ તે મોતને ભેટી હતી.

મીડિયા અહેવાલ અનુસાર વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે કાજલ નામની મહિલા પર તેના પતિ અંકુર ચૌધરી(૨૮)એ કથિત રીતે ધાતુના ડમ્બલથી હુમલો કર્યો હતો. ત્યાર બાદ તેનું માથું દરવાજાની ફ્રેમ સાથે અથડાવ્યું હતું. આ ઘટના દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના દ્વારકા મોડ સ્થિત ઘરમાં બની હતી.

બનાવના દિવસે ઘરેલુ મુદ્દાઓ અને દહેજની માંગણીને લઇને થયેલા ઝઘડા બાદ અંકુરે કાજલ પર હુમલો કર્યા બાદ તેના ભાઇ નિખિલને ફોન કર્યો હતો. પોલીસે નિખિલના નિવેદનને ટાંકીને જણાવ્યું કે અંકુરે નિખિલને કહ્યું કે તેણે તેની બહેનની હત્યા કરી છે.

નિખિલે જણાવ્યું કે ૨૨ જાન્યુઆરીના રાત્રે ૧૦ વાગ્યે અંકુરે તેને ફોન કર્યો હતો અને કહ્યું કે તેની બહેન તેની સાથે ઝઘડો કરી રહી છે. કાજલે ફોન લઇને તેને સમજાવવાના પ્રયાસો કર્યા, પરંતુ અંકુરે ફોન ઝૂંટવી લીધો. અંકુરે તેના ભાઇ સાથેની વાતચીત રેકોર્ડ કરવા કહ્યું અને તેને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.

નિખિલે કહ્યું કે મેં પછી તેની ચીસો સાંભળી અને ત્યાર બાદ ફોન કપાઇ ગયો. લગભગ પાંચ મિનિટ પછી અંકુરે ફરી તેને ફોન કર્યો અને નિખિલને જણાવ્યું કે તેણે તેની બહેનની હત્યા કરી દીધી છે.

નિખિલે વધુમાં જણાવ્યું કે જ્યારે હું અડધી રાત્રે દિલ્હી પહોંત્યો ત્યારે તેણે મારી બહેનને નજીકની હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં ડોક્ટરોએ તેને બ્રેન ડેડ જાહેર કરી હતી. કાજલના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે ૨૫ જાન્યુઆરીના રોજ તેને ગાઝિયાબાદના નહેરુ નગર સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ૨૭ જાન્યુઆરીના રોજ સવારે લગભગ ૬ વાગ્યે તેનું મૃત્યુ થયું હતું.

હરિયાણાના ગનૌરની રહેવાસી કાજલ ૨૦૨૨માં દિલ્હી પોલીસમાં કોનસ્ટેબલ તરીકે જોડાઇ હતી. પોલીસે જણાવ્યું કે દંપતિએ નવેમ્બર ૨૦૨૩માં પ્રેમલગ્ન કર્યા હતા અને તેમને દોઢ વર્ષનો પુત્ર છે. સ્પેશિયલ પોલીસ કમિશ્નર મધુ તિવારીએ જણાવ્યું કે અમે હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો છે અને કમાન્ડોના પતિ અંકુર ચૌધરીની ધરપકડ કરી લીધી છે. જો કે કમાન્ડોનું મૃત્યુ થવાની સ્થિતિમાં કેસ હત્યાના પ્રયાસથી હત્યામાં ફેરવાઇ ગયો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button