19 નવેમ્બરે એર ઇન્ડિયાના પ્લેનમાં પ્રવાસ ન કરતા, નહીંતો જીવ જોખમમાં મુકાશે.. કોણ કહી રહ્યુ છે આવું?
ખાલિસ્તાની આતંકી ગુરૂપતવંતસિંહ પન્નુનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે 19 નવેમ્બરે એર ઇન્ડિયાના વિમાનમાં પ્રવાસ કરનારા મુસાફરોને ધમકી આપી રહ્યા છે. પન્નુએ જણાવ્યું છે કે 19 તારીખે હવાઇ પ્રવાસ કરનારા લોકોને જીવનું જોખમ સર્જાઇ શકે છે. આ દિવસે જ વર્લ્ડ કપ-2023ની ફાઇનલ મેચ યોજાવાની છે.
સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતી વખતે પન્નુએ જણાવ્યું હતું કે અમે સિખ લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ આગામી 19 નવેમ્બરે એર ઇન્ડિયાની ફ્લાઇટથી મુસાફરી ન કરે, આ દિવસે એક વૈશ્વિક નાકાબંધી થશે. પન્નુએ દાવો કર્યો છે કે 19 નવેમ્બરે દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ રહેશે અને તેનું નામ પણ બદલી દેવામાં આવશે.
પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન સીખ ફોર જસ્ટિસના પ્રમુખ પન્નુએ 10 ઓક્ટોબરે પીએમ મોદીને ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધમાંથી બોધપાઠ લેવાનું કહ્યું હતું જેથી ભારતમાં એવા પ્રકારની કોઇ પ્રવૃત્તિ ન થાય. ખાલિસ્તાની આતંકી વારંવાર વીડિયો જાહેર કરીને ધમકી આપતો હોય છે કે પંજાબને મુક્ત કરાવવાનું છે. અગાઉ જાહેર કરેલા વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે અમારું સંગઠન બેલેટ અને વોટમાં વિશ્વાસ ધરાવે છે. પંજાબથી પેલેસ્ટાઇન સુધી ગેરકાયદે કબજો કરનારા લોકો વિરુદ્ધ પ્રતિક્રિયા આપવામાં આવશે. ઇન્ડિયા ચોઇસ ઇઝ યોર્સ- બેલેટ ઓર બુલેટ તેવું તેણે વીડિયોમાં કહ્યું હતું.
સીખ ફોર જસ્ટિસનો પ્રમુખ પન્નુ ભારતે વોન્ટેડ જાહેર કરેલો આતંકવાદી છે. તેના વિરુદ્ધ દેશભરમાં 16 કેસ દાખલ થયેલા છે. દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ, હરિયાણા અને ઉત્તરાખંડમાં અલગતાવાદી ચળવળ ચલાવવા બદલ તેની સામે કેસ થયેલા છે. પંજાબ, દિલ્હી, ગુરુગ્રામ, અમૃતસર, ધર્મશાલામાં UAPA હેઠળ સરકારે કેસ કર્યો છે. ગુરૂપતવંતસિંહ પન્નુ કેનેડા-અમેરિકામાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવે છે. તે કેનેડામાં વસેલા હિંદુઓને પણ ધમકાવતો હોય છે. તેને પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISIની મદદ મળતી હોવાના પણ અહેવાલો છે.