ડોનાલ્ડ ટ્રમ્પે લંડનમાં આપ્યું મોટું નિવેદન, હું ઈન્ડિયા અને મોદીની વધુ નજીક…

લંડન: 50 ટકા ટેરિફ લાદ્યા બાદ ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ પેદા થયો હતો. પરંતુ તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેલિફોન પર વાતચીત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને એક સકારાત્મક બેઠક પણ થઈ હતી. જેને લઈને ભારત અને અમેરિકાના સંબંધો સુધરે એવું લાગી રહ્યું છે. ત્યારે હવે ડૉનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.
ટ્રમ્પે પીએમ મોદી સાથેના સંબંધોની કરી પ્રશંસા
આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તાજેતરમાં . લંડનમાં યુકેના વડા પ્રધાન કરેન સ્ટારમરની મુલાકાતે ગયા હતા. તેમની સાથેની મુલાકાત બાદ ડૉનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “હું ભારત અને પીએમ મોદીની “ખૂબ નજીક” છું. ટિપ્પણી પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે બંને નેતાઓ વચ્ચે થયેલી તાજેતરની ટેલિફોન વાતચીત બાદ આવી છે.
ડૉનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે થઈ વાતચીત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથસોશિયલ’ પર પીએમ મોદીને તેમના ૭૫મા જન્મદિવસની શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે, “મારા મિત્ર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે હમણાં જ એક અદ્ભુત ફોન વાતચીત થઈ. મેં તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી! તેઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે.” આ વાતચીત દરમિયાન ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટે પીએમ મોદીના સમર્થન બદલ તેમનો આભાર પણ માન્યો હતો.
પીએમ મોદીએ પણ ટ્રમ્પનો આભાર માનતા X પર લખ્યું હતું કે, “મારા મિત્ર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, મારા 75માં જન્મદિવસ પર ફોન કોલ અને શુભેચ્છાઓ બદલ આભાર. તમારી જેમ, હું પણ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું.”