ઈરાન પર અમેરિકા કરશે સૈન્ય કાર્યવાહી? કહ્યું આઝાદી અપાવવા અમે કરીશુ મદદ

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર ગંભીર રાજકીય અને સૈન્ય તણાવ ઉભો થયો છે. ઈરાનમાં ચાલી રહેલા આંતરિક વિરોધ પ્રદર્શનો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો જરૂર પડશે તો અમેરિકા ઈરાનની વર્તમાન સરકાર સામે મોરચો માંડવામાં પાછીપાની નહીં કરે. આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ તેજ બની છે કે શું અમેરિકા ઈરાન પર કોઈ મોટા સૈન્ય હુમલાની તૈયારી કરી રહ્યું છે.
રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ઈરાનની જનતા અત્યારે આઝાદીની રાહ જોઈ રહી છે અને અમેરિકા તેમને આ માર્ગમાં મદદ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. અહેવાલો મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાનના મહત્વના સૈન્ય ઠેકાણાઓ પર મોટા પાયે હવાઈ હુમલા કરવાની પ્રારંભિક યોજના બનાવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, વ્હાઇટ હાઉસના અધિકારીઓ ઈરાનને જડબાતોડ જવાબ આપવા માટેના વિવિધ વિકલ્પો પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.
આ અગાઉ પણ અમેરિકાએ ઈરાન પર સૈન્ય કાર્યવાહી કરી છે. ગત જૂન મહિનામાં અમેરિકી દળોએ ઈરાનના ફોર્ડો પરમાણુ પ્લાન્ટ સહિત ત્રણ સ્થળો પર શક્તિશાળી બંકર-બસ્ટર બોમ્બ ફેંક્યા હતા. આ પ્લાન્ટ જમીનથી સેંકડો ફૂટ નીચે પહાડોમાં આવેલો છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાની સત્તાવાળાઓ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાનું કે તેમની હત્યા કરવાનું ચાલુ રાખશે, તો અમેરિકા તેને સહન કરશે નહીં અને વળતો પ્રહાર કરશે.
બીજી તરફ, ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો પર અંકુશ મેળવવા માટે સુરક્ષા દળોએ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. હિંસામાં અત્યાર સુધીમાં અંદાજે 65 લોકોના મોત થયા હોવાનું મનાય છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈએ ટ્રમ્પની આકરી ટીકા કરતા કહ્યું છે કે ટ્રમ્પના હાથ ઈરાનીઓના લોહીથી ખરડાયેલા છે. ઈરાની અધિકારીઓએ તો ત્યાં સુધી ધમકી આપી છે કે પ્રદર્શનકારીઓને મદદ કરનાર કોઈપણ વ્યક્તિને ‘ઈશ્વરનો શત્રુ’ માનવામાં આવશે અને તેને મૃત્યુદંડની સજા થઈ શકે છે.
આ પણ વાંચો…ઈરાનના લશ્કરી ઠેકાણાઓ પર અમેરિકી એરસ્ટ્રાઈકનો પ્લાન તૈયારઃ અહેવાલ



