ટિકટોકની માલિકી અંગે અમેરિકા-ચીન વચ્ચે સમજૂતી, અમેરિકાના ક્યા અબજોપતિ બની શકે નવા માલિક?

વોશીંગ્ટન ડીસી: ચાઇનીઝ ટેક કંપની બાઇટડાન્સની માલિકીની શોર્ટ વિડીયો એપ ટિકટોક પર ભારત સહીત ઘણાં દેશો પર પ્રતિબંધ છે, પરંતુ આ એપ યુએસમાં ખુબ જ પ્રચલિત છે. હવે ટિકટોકની માલિકી કોઈ અમેરિકન કંપનીના હાથમાં જઈ શકે છે. આ ડીલ માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મહિનાઓથી પ્રયાસ કરી રહ્યા હતાં, હવે તેમણે એક આદેશ પર હસ્તાક્ષર કરીને એપ અમેરિકન કંપનીને વેચવાના સોદાને મંજુરી (UA China TikTok Deal) આપી છે.
ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેને ગયા વર્ષ એક આદેશ પર હસ્તાક્ષર કર્યા હતાં, જેમાં કહેવામાં આવ્યું હતું કે બાઇટડાન્સને આ વર્ષની શરૂઆતમાં ટિકટોકની સંપત્તિ અમેરિકન કંપનીને વેચી દેવી, નહીં તો યુએસમાં ટિકટોક પર પ્રતિબંધ લગાવવામાં આવશે.
હાલના યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જેમાં ટિકટોકને યુનાઇટેડ સ્ટેટ્સમાં તેનું ઓપરેશન ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવી પણ તેની માલિકી યુએસની કંપનીના હાથ સોંપવામાં આવશે.
આ યુએસ કંપની બનશે ટિકટોકની માલિક:
TikTok ડીલના ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા બાદ ટ્રમ્પે કહ્યું, “મારી રાષ્ટ્રપતિ શી સાથે સરસ વાતચીત થઈ, મને તેમના માટે ઘણો આદર. આશા છે કે, તેમને પણ મારા માટે ઘણો આદર હશે. અમે ટિકટોક વિશે વાત કરી, અને તેમણે અમને આગળ વધવાની મંજૂરી આપી. તે હવે અમેરિકન રોકાણકારો અને અમેરિકન કંપનીઓ દ્વારા ચલાવવામાં આવશે. યુવાનો ખરેખર ઇચ્છતા હતા કે આવું થાય. લેરી એલિસન અને ઓરેકલ આના માટે તૈયાર છે, મને લાગે છે કે, સુરક્ષા, સલામતી અને બીજી બધી બાબતોમાં ખૂબ મોટી ભૂમિકા ભજવશે.”
બાઈટડાન્સ પાસે આટલો હિસ્સો જ રહેશે:
હાલ ટિકટોકની માલિકી બાઈટડાન્સ પાસે છે, યુએસમાં ટિકટોક કાર્યરત રહે એ માટે મોટા ભાગનો હિસ્સો યુએસ ઇન્વેસ્ટર્સને વેચવામાં આવશે. ઓરેકલ અને સિલ્વર લેક સહિત યુએસ ઇન્વેસ્ટર્સ ટિકટોકમાં રોકાણ કરવા તૈયાર છે, જ્યારે બાઈટડાન્સ પાસે 20 ટકાથી ઓછી ઇક્વિટી રહેશે. બોર્ડ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં બાઈટડાન્સનું પ્રતિનિધિત્વ એક વ્યક્તિનું જ રહેશે, પરંતુ તેને સિક્યોરિટી સાથે જોડાયેલી બાબતો અંગેના નિર્ણયોમાંથી બાકાત રાખવામાં આવશે.
યુએસમાં ટિકટોક સૌથી વધુ લોકપ્રિય એપ:
ટિકટોક ડીલ વિષે વધુ જાણકારી મળી નથી, પરંતુ માલિકી બદલાતા ટિકટોકમાં મોટા ફેરફારો જોવા મળશે. એક અહેવાલ મુજબ, 30 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 43% યુએસ એડલ્ટ નિયમિતપણે ટિકટોકથી સમાચાર મેળવે છે, જે YouTube, Facebook અને Instagram જેવા કોઈપણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કરતાં વધુ લોકપ્રિય છે.
ચીન સરકારે મંજુરી આપી:
ટિકટોકને અમેરિકન કંપનીને વેચવા મજબુર કરવાના દબાણને ચીન સરકારે અગાઉ લૂંટ ગણાવી હતી, પરંતુ હવે ચીન સરકારે વલણ બદલવું પડ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ટિકટોક ડીલના બદલામાં ચીનને યુએસમાં વેપાર માટે કેટલીક છૂટછાટો મળી હોઈ શકે છે.
આપણ વાંચો: ટ્રમ્પે હવે શાહબાઝ શરીફને વ્હાઈટ હાઉસમાં બોલાવી આગતાસ્વાગતા કરી, ભારત માટે ખતરાના સંકેત…