
નવી દિલ્હી: અમેરિકાએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફને કારણે બંને દેશો વચ્ચે ખટરાગ વધી રહ્યો છે. જેના કારણે બંને દેશના વડાઓ એકબીજાને મળવાનું ટાળી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
કારણ કે, આંતરરાષ્ટ્રીય મીડિયાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાનો ભારત પ્રવાસ રદ કર્યો છે.
ભારત કેમ આવવાના હતા ડૉનાલ્ડ ટ્રમ્પ?
વર્ષ 2025ના અંતમાં ક્વાડ શિખર સંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. ભારત આ શિખર સંમેલનની મેજબાની કરવાનું છે. આ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવવાના હતા.
પરંતુ ન્યુયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાનો ભારત આવવાનો કાર્યક્રમ રદ કરી દીધો છે. જોકે, આ રિપોર્ટને લઈને અમેરિકા કે ભારતની સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ડૉનાલ્ડ ટ્રમ્પથી ભારતના વડા પ્રધાન નારાજ
ન્યુયોર્ક ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, “તાજેતરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં યુદ્ધવિરામ કરાવ્યો હોવાના ડૉનાલ્ડ ટ્રમ્પના નિવેદનોએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નારાજ કરી દીધા છે. જેનાથી બંને દેશો વચ્ચે તણાવની શરૂઆત થઈ છે.
ટ્રમ્પને લઈને મોદીની ધીરજ ધીમે-ધીમે ઓછી થઈ રહી છે.” જોકે, 10 મેથી લઈને અત્યારસુધી ડૉનાલ્ડ ટ્રમ્પ સાર્વજનિક રીતે 40થી વધુ વખત પોતે ભારત-પાકિસ્તાનનું યુદ્ધ અટકાવ્યું હોવાનો દાવો કરી ચૂક્યા છે. જેની પાછળ તેમની શાંતિનું નોબલ પ્રાઈઝ મેળવવાની ઝંખના છૂપાયેલી છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે, “આ વાત અમેરિકાના એ રાષ્ટ્રપતિની છે, જે નોબલ પ્રાઈઝ મેળવવા માંગે છે. પરંતુ તેમની આ ઈચ્છા ભારતની રાજનીતિના સૌથી સંવેદનશીલ અને અટલ હકીકત સાથે ટકરાઈ ગઈ છે. એ છે ભારત-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ”
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2025માં જ્યારે ટ્રમ્પનો રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ શરૂ થયો ત્યારે ટ્રમ્પ પ્રશાસન દ્વારા ક્વાડ વિદેશ પ્રધાનોની એક બેઠકનું આયોજન કર્યું હતું. પરંતુ હવે ડૉનાલ્ડ ટ્રમ્પે ક્વાડ બેઠકમાં ભાગ લેવાનું ટાળવાનો નિર્ણય કર્યો છે. જેના માટે બંને દેશો વચ્ચેના તણાવને કારણભૂત ગણાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો…ટ્રમ્પની ટેરિફ નીતિને કાનૂની પડકાર: અપીલ કોર્ટે મોટાભાગના ટેરિફ ગેરકાયદેસર ગણાવ્યા…