નેશનલ

‘અમે પરમાણુ યુદ્ધ અટકાવ્યું…’ ટ્રમ્પે ભારત-પાક યુદ્ધવિરામના કારણો અંગે કર્યો મોટો દાવો

વોશિંગ્ટન: ભારત અને પાકિસ્તાન બંને દેશો હાલ યુદ્ધ વિરામ માટે સંમત (India-Pak cease fire) થયા છે. અહેવાલ મુજબ આ યુદ્ધવિરામ કરાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપ રાષ્ટ્રપતિ જેડી વાન્સ અને સેક્રેટરી ઓફ સ્ટેટ્સ માર્કો રુબીયોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. એવામાં આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પ (Donald Trump) એક નિવેદનમાં જણાવ્યું કે વેપારને ધ્યાનમાં રાખી બંને દેશોએ લડાઈ બંધ કરી દીધી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું કે યુદ્ધવિરામ કરાર બાદ યુનાઇટેડ સ્ટેટ્સ ભારત અને પાકિસ્તાનને મદદ કરવા તૈયાર છે. ટ્રમ્પે કહ્યુ કે, “બંને દેશોએ લડાઈ બંધ કરી એ પાછળ સૌથી મોટું કારણ વેપાર છે.”

આ પણ વાંચો: યુદ્ધવિરામ માટે અમેરિકાને કોણે કરી હતી અપીલ, હવે જાણી લો આ સત્ય?

પરમાણુ યુદ્ધ અટકાવ્યું:

ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અનેક અથડામણો પછી અમેરિકાના હસ્તક્ષેપથી યુદ્ધવિરામ થયા બાદ પરમાણુ યુદ્ધ ટળી ગયું છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં યુએસ વહીવટીતંત્રે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ટ્રમ્પે દાવો કર્યો કે વેપાર દબાણ દ્વારા રાજદ્વારી અભિગમ દાખવીને તેમણે સંભવિત “પરમાણુ યુદ્ધ” ટાળવામાં મદદ કરી હતી.

ટ્રમ્પે કહ્યું, “અમે પરમાણુ યુદ્ધ અટકાવ્યું. મારું માનવું છે કે પરમાણુ યુદ્ધના ખુબજ ખરાબ પરિણામો આવી શકે છે, લાખો લોકો માર્યા ગયા હોત. તેથી મને તેનો ખૂબ ગર્વ છે અમે આ યુદ્ધ અટકાવ્યું.”

ટ્રમ્પે કહ્યું, “શનિવારે મારા વહીવટીતંત્રે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામમાટે મધ્યસ્થી કરવામાં મદદ કરી, મને લાગે છે કે તે કાયમી રહેશે.”

આ પણ વાંચો: યુદ્ધવિરામ અને અમેરિકાની મધ્યસ્થી મુદ્દે કોંગ્રેસના નેતાએ સરકાર પર ઉઠાવ્યા સવાલ…

બંને દેશોના નેતાની પ્રસંશા:

બંને દેશોના નેતાઓની પ્રશંસા કરતા ટ્રમ્પે કહ્યું, “મને તમને જણાવતા ખૂબ ગર્વ થાય છે કે ભારત અને પાકિસ્તાનનું નેતૃત્વ અડગ, શક્તિશાળી રહ્યું હતું. તેઓ પરિસ્થિતિની ગંભીરતાને સંપૂર્ણપણે જાણવા અને સમજવા માટેની શક્તિ, સમજણ અને મનોબળ ધરાવે છે.”

બંને દેશો સાથે વેપાર વાટાઘાટો શરુ થશે:

તેમણે બંને દેશો સાથે ચાલી રહેલી અને ભવિષ્યની વેપાર વાટાઘાટોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું “અમે પાકિસ્તાન અને ભારત બંને સાથે ઘણો વેપાર કરવા જઈ રહ્યા છીએ. અમે હાલમાં ભારત સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ. અમે ટૂંક સમયમાં પાકિસ્તાન સાથે વાટાઘાટો કરીશું.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button