ટ્રમ્પ ભારત પર મેગા ટેરિફ બોમ્બ ફેંકવાની તૈયારીમાં! આ બિલ ગૃહમાં રજુ કરવા આપી મંજુરી

વોશિંગ્ટન ડી સી: તાજેતરમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરીફ વધારવાના સંકેતો આપ્યા હતાં. એવામાં ટ્રમ્પે એક એવા બિલને મંજુરી આપી દીધી છે, જેનાથી યુએસમાં ભારતની આયાતો પર 500% સુધીનો તોતિંગ ટેરીફ લગાવવામાં આવી શકે છે. છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાના પ્રયાસના ભાગરૂપે ટેરિફ વધારવામાં આવી શકે છે.
આ બિલ ટ્રમ્પના નાજીકના રિપબ્લિકન સેનેટર ગ્રેહામ અને ડેમોક્રેટિક સેનેટર રિચાર્ડ બ્લુમેન્થલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સેનેટર લિન્ડસે ગ્રેહામના જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિ ટ્રમ્પે બાયપાર્ટીશન રશિયા સેન્ક્શન બિલને લીલીઝંડી આપી દીધી છે, જેની મદદથી ભારત, ચીન અને બ્રાઝિલ સહિતના રશિયાના વેપાર ભાગીદારો સામે કડક પગલા ભરવામાં આવશે.
નોંધનીય છે કે હાલ યુએસમાં ભારતના કેટલાક ઉત્પાદનો પર 50 ટકા ટેરીફ લાગુ છે.
રશિયાના મિત્ર દેશોને ટ્રમ્પ સજા આપશે:
જો આ બિલ કોંગ્રેસમાંથી પસાર થઈ જશે, તો યુએસ રાષ્ટ્રપતિને રશિયા પાસેથી ઓઈલ અથવા યુરેનિયમ ખરીદતા દેશો પર 500 ટકા સુધીનો ટેરિફ લાદવાનો અધિકાર મળશે. લિન્ડસે ગ્રેહામે જણાવ્યું કે બુધવારે તેમણે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી, આ દરમિયાન ટ્રમ્પે આ બિલ કોંગ્રેસના ગૃહ સમક્ષ મુકવાની મંજુરી આપી હતી. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ પણ આ અંગે પુષ્ટિ કરી છે.
ગ્રેહામે કહ્યું કે આ બિલ યુએસ રાષ્ટ્રપતિને રશિયન ઓઈલ ખરીદીને પુતિનના યુદ્ધ મશીનને બળતણ પૂરું પાડતા દેશોને સજા કરવાની મંજૂરી આપશે.
લિન્ડસે ગ્રેહામના જણાવ્યા મુજબ આવતા અઠવાડિયે આ બિલને વોટીંગ માટે ગૃહ સમક્ષ મુકાવમાં આવી શકે છે.
ટ્રમ્પની ધીરજ ખૂટી રહી છે:
ગત વર્ષે જાન્યુઆરીમાં બીજી ટર્મ માટે રાષ્ટ્રપતિ બન્યાના પહેલા દિવસે જ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. અનેક પ્રયસો છતાં પણ યુદ્ધ વિરામ કરાર ન થઇ શકતા હવ ટ્રમ્પની ધીરજ ખૂટી રહી છે, હવે તે રશિયાને તેના વેપાર ભાગીદારોથી અલગ કરીને યુદ્ધનો અંત લાવવા ઈચ્છે છે.



