Domestic Tourism: લક્ષદ્વીપ બાદ ફરી પીએમ મોદીએ કરી લોકોને આ અપીલ
અમદાવાદઃ થોડા સમય પહેલા લક્ષદ્વીપની મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો વાયરલ થતાં અહીં પર્યટન માટે આવવાની તાલાવેલી લોકોને લાગી હતી અને આને લીધે માલદીવની સરકારને મરચાં લાગ્યા હતા. આ કિસ્સો ભારે ચગ્યો ત્યારે લોકોને લક્ષદ્વીપ નામે એક નવું જ રમણીય પર્યટન સ્થળ ઘરઆંગણે જ મળી ગયું. હવે ફરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને દેશના જ પર્યટન સ્થળોને પ્રોત્સાહન આપવાનું આહ્વાન કર્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખોડલધામ ટ્રસ્ટ કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજથી અમરેલીમાં કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું કામ શરૂ થઈ રહ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ જનતાને નવ વિનંતીઓ પણ કરી હતી, જેમાં સ્થાનિક પ્રવાસન વધારવાની અપીલ કરવામાં આવી હતી.
આ ભૂમિપૂજન સમારોહમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.મનસુખ માંડવિયાએ પણ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ લોકોને નવ વિનંતીઓ કરી હતી, જે અંતર્ગત પાણીના દરેક ટીપાને બચાવવા અને પાણીના સંરક્ષણ અંગે લોકોને જાગૃત કરવા, ગ્રામ્ય સ્તરે પણ લોકોને ડિજિટલ વ્યવહારો માટે મદદ કરવા, ગામડા-શહેરમાં સ્વચ્છતા માટ જાગૃતિ લાવવા.
સ્થાનિક ઉત્પાદનો અને મેક ઈન ઈન્ડિયા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા દેશમાં સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવું, ખેડૂતોમાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવું, શ્રી અન્નને (millets)vsરોજિંદા આહારમાં સામેલ કરવા, ફિટ રહેવા અને કોઈપણ જાતના નશાથી દૂર રહેવા અપીલ કરી છે.
વડા પ્રધાને કહ્યું હતું કે સરકાર કેન્સરના દર્દીઓ માટે મુશ્કેલીમુક્ત સારવાર સુનિશ્ચિત કરી રહી છે. છેલ્લા નવ વર્ષમાં દેશમાં 30 જેટલી નવી કેન્સર હોસ્પિટલો વિકસાવવામાં આવી છે. 10 નવી કેન્સર હોસ્પિટલોમાં કામ ચાલી રહ્યું છે. આરોગ્ય ક્ષેત્રે ગુજરાતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. સરકારે 10 હજાર જન ઔષધિ કેન્દ્રો પણ ખોલ્યા છે, જ્યાં લોકોને 80 ટકા ડિસ્કાઉન્ટ પર દવાઓ મળી રહી છે. સસ્તી દવાઓના કારણે ગરીબોને 30,000 કરોડની બચત થઈ છે.