શ્વાને બચાવ્યા જીવઃ જાણો પૂરગ્રસ્ત હિમાચલના આ ગ્રામવાસીઓની આપવીતી

મંડી: હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના ધર્મપુર વિસ્તારમાં આવેલું સિયાઠી ગામમાં અચાનક આવેલા પૂરના કારણે જન જીવન અસ્તવ્યસ્ત થયું હતું. ગામના લગભગ 20 પરિવારોના 69 લોકો છેલ્લા સાત દિવસથી ત્રિયંબલા ગામના નૈના દેવી મંદિરમાં શરણ લઈ રહ્યા છે. આ આફતમાં ગામના મોટાભાગના ઘરો તબાહ થઈ ચૂક્યા છે અને ગ્રામજનોનું જીવન ખતરામાં મૂકાયું.
હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદથી તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. ૩૦ જૂનની રાત્રે લગભગ 12 થી 1 વાગ્યાની વચ્ચે મૂસળધાર વરસાદે તબાહી મચાવી હતી. આ આફત વચ્ચે ગામવાસીઓ માટે ભગવાન રૂપ એક શ્વાન બન્યું. જેના કારણે ગામના લોકોને સલામત સ્થળે જવા માટે સમય મળ્યો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તેમના ઘરના બીજા માળે સૂતેલો શ્વાન અચાનક ભસવા અને રડવા લાગ્યો, જેણે તેમની ઊંઘ તોડી. એ સમયે ઘરમાં મોટી તિરાડ પડી હતી અને પાણી ઝડપથી ભરાઈ રહ્યું હતું. નરેન્દ્રએ પરિવાર અને ગામના અન્ય લોકોને જગાડીને સલામત સ્થળે જવાનું કહ્યું. આ દરમિયાન પહાડનો મોટો ભાગ ગામ પર ઘસી આવ્યો, જેના કારણે ડઝનબંધ ઘરો દટાઈ ગયા.
આ ઘટના બાદ સિયાઠી ગામમાં ગણ્યાં-ગાંઠ્યાં ચાર-પાંચ ઘર જ બચ્યાં છે. ગામના લોકો નૈના દેવી મંદિરમાં આશરો લઈ રહ્યા છે, જ્યાં હિમાચલની આરોગ્ય ટીમે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની તપાસ કરી. ઘણા લોકોને બી.પી. અને ડિપ્રેશનની ફરિયાદ જોવા મળી. આ દરમિયાન, નજીકના દારપા ગામના લોકોએ 21,000 રૂપિયા અને રાશન-પાણીની મદદ કરી.
ત્રિયંબલા ગામના પંચાયત સભ્ય સુરેન્દ્રએ જણાવ્યું કે સિયાઠી ગામના લોકો, જે મુખ્યત્વે અનુસૂચિત જાતિના છે, પશુપાલન અને બાંધકામનું કામ કરે છે. નૈના દેવી મંદિરના દાન પાત્રમાં આજુબાજુના ગામોના લોકોએ લાખો રૂપિયાનું દાન આપ્યું છે. જો સરકાર જમીન આપે તો આ દાનના નાણાંથી ગામનું પુનર્નિર્માણ થઈ શકે. આ મદદ આફતમાં આશાનું કિરણ બની રહી છે.