ડોગ બાઈટ પર જાગૃતિ લાવવા સ્ટ્રીટ પ્લે પર્ફોર્મ કરી રહેલાં કલાકારને શ્વાને બટકુ ભર્યું…

થિરુવનંતપુરમ્: સામાન્ય રીતે વાસ્તવિક જીવનમાં બની ગયેલી ઘટનાઓથી પ્રેરણા લઈને નાટકો અથવા ફિલ્મો બનતી હોય છે. પરંતુ તાજેતરમાં એક એવી ઘટના બની છે, જેમાં એક નાટકની ઘટના હકીકતમાં ફેરવાઈ ગઈ છે.
એવું પણ કહેવાય છે કે ભલું કરવા જતા ભાલા વાગ્યા એમ કેરળમાં એક ડોગ બાઈટ સંબંધિત જનજાગૃતિનું નાટક ભજવતી વખતે વાસ્તવમાં રખડતા શ્વાને સ્ટેજ પર આવી ચઢીને નાટક ભજવનારા કલાકારને કરડવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો.
કેરળમાં શ્વાનના વધતા જતા આતંકને દર્શાવતા ભજવાતા “પેક્કલમ” નામના નાટકનું એક દ્રશ્ય વાસ્તવિકતામાં ફેરવાયું હતું, જેમાં એક શ્વાને બાળક પર હુમલો કર્યો હતો, પરંતુ દર્શકોને એવું લાગ્યું હતું કે એ નાટકનો જ એક ભાગ છે.
આપણ વાંચો: રિક્ષામાં બાળક સાથે શ્વાનને પૂરી આનંદમાણનારા શ્વાનના માલિકની ધરપકડ
શેરી નાટક દરમિયાન અચાનક શ્વાન ધસી આવ્યો
ઉત્તર કેરળના માયલ ગામમાં અભિનેતા રાધાકૃષ્ણન તેમનું શેરી નાટક “પેક્કલમ” ભજવી રહ્યા હતા. આ નાટકમાં શ્વાનના ભસવાનો અને બાળકોની ચીસોનો એક સીન હતો. આ સીન જયારે ભજવાઈ રહ્યો હતો ત્યારે અચાનક એક રખડતો શ્વાન સ્ટેજ પર આવી ગયો હતો. આ શ્વાને બાળકનું પાત્ર ભજવી રહેલા અભિનેતા પર હુમલો કર્યો હતો.
શ્વાને અભિનેતાના પગમાં બચકું ભર્યું હતું. આ સિવાય અભિનેતાના શરીર પર ઉઝરડા પણ પડ્યા હતા. અભિનેતાએ પોતાની જાતને શ્વાન પાસેથી છોડાવી હતી અને શ્વાનને લાકડી વડે ભગાડ્યો હતો.
આપણ વાંચો: વાઘ્યા શ્વાનના સ્મારક અંગે ચર્ચા દ્વારા રસ્તો કઢાશે: ફડણવીસ…
શ્વાનનું આવવું પ્રેક્ષકોને લાગ્યું નાટકનો ભાગ
શ્વાને પગમાં બચકું ભર્યું હોવા છતાં અભિનેતા રાધાકૃષ્ણને લગભગ 15 મિનિટ સુધી નાટક ચાલુ રાખ્યું હતું. જેથી પ્રેક્ષકોને લાગ્યું કે સ્ટેજ પર શ્વાનનું આવવું અને તેનો હુમલો નાટકનો જ એક ભાગ હતો.
જોકે, નાટક પૂરૂ થયા બાદ અભિનેતા રાધાકૃષ્ણને આયોજકોને આ અંગે જાણ કરી હતી અને સારવાર માટે પરિયારામ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ગયા. આ શેરી નાટકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોને લઈને અભિનેતા રાધાકૃષ્ણને કહ્યું કે, “આ વિડંબના છે, ખરું ને?”
ઉલ્લેખનીય છે કે, રખડતા કૂતરાઓના હુમલાના વિષય પર અભિનેતા રાધાકૃષ્ણનું આ પાંચમું એકલ પ્રદર્શન હતું. તેમણે કહ્યું કે “રખડતા કૂતરાઓના હુમલા પર આધારિત એકલ નાટકે મને વાસ્તવિકતાની સાચી સમજ આપી.
” કેરળમાં રખડતા કૂતરાઓના હુમલાના વધતા અહેવાલો અને હડકવાના કેસો એક ગંભીર સમસ્યા બની ગઈ છે. આ તાજેતરની ઘટનાએ ફરી એકવાર જાહેર ચિંતા ઊભી કરી છે અને અધિકારીઓ દ્વારા અસરકારક પગલાં લેવામાં નિષ્ફળ રહેવા બદલ ટીકા થઈ રહી છે.