ડૉક્ટરની કરતૂત: 600 દર્દીઓને નકલી પેસમેકર લગાવ્યા, અત્યાર સુધીમાં 200ના મોત
ઉત્તર પ્રદેશના ઈટાવા સ્થિત સૈફઈ મેડિકલ યુનિવર્સિટીના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સમીર સરાફની ધરપકડ બાદ પૂછપરછ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે 600 જેટલા હૃદયરોગના દર્દીઓને નકલી પેસમેકર ફીટ કરવામાં આવ્યા છે. જેમાંથી 200 જેટલા દર્દીઓના મોત થયા છે. મૃત્યુ પામેલા દર્દીના પરિવારજનો ડો.સમીર સરાફને હત્યારો જાહેર કરી કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
નકલી પેસમેકર લગાવવા અંગે ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ મળતાં પોલીસે ડૉ. સમીર સરાફની ધરપકડ કરી છે. આરોપ છે કે સમીર સરાફે દર્દીઓમાં નકલી પેસમેકર ફીટ કરવા માટે કંપનીઓ સાથે સાંઠગાંઠ કરી હતી. બ્રાન્ડેડ કંપનીઓના નામે દર્દીઓને નકલી પેસમેકર ફીટ કરીને તગડી કમાણી કરતા હતા. આટલું જ નહીં, આ કામના બદલામાં આ કંપનીઓએ ડોક્ટરને 8 વિદેશ પ્રવાસ કરાવ્યા હતા.
સુત્રોના જણાવ્યા મુજબ યુનિવર્સિટીમાં મેડિકલ સાધનો ખરીદવાના નામે આ તબીબે અંદાજે 2.5 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું.
આ સમગ્ર મામલો ફેબ્રુઆરી 2022થી શરૂ થયો હતો. કેટલાક દર્દીઓએ પોલીસ પાસે ડૉ. સમીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, હાર્ટ સર્જરી કરાવ્યા બાદ તેના પર નકલી પેસમેકર લગાવવામાં આવ્યું હતું, જેના કારણે તે ઘણી મુશ્કેલી થઇ રહી છે. તપાસ સમિતિએ શોધી કાઢ્યું હતું કે સરાફે પેસમેકર લગાવવા માટે દર્દી પાસેથી રૂ. 1.85 લાખ લીધા હતા, જે રૂ. 96,844ની નિશ્ચિત રકમ કરતાં લગભગ બમણી છે.
ડો.સમીર સરાફ લાંચ લેતો હોવાનો સીસીટીવી વિડીયો પણ વાયરલ થયો હતો. હવે ડોક્ટરની ધરપકડ બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે વર્ષ 2022માં કેસ નોંધ્યા બાદ ગેઝેટેડ ઓફિસર અને પોલીસ દ્વારા મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તેમની ધરપકડને બાબતે સરકારને પત્ર લખવામાં આવ્યો હતો, ત્યારબાદ ત્યાંથી પરવાનગી મળતાં ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.