નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણી સંગ્રામ 2024ઃ DMKએ ઢંઢેરો બહાર પાડ્યો, NEET નાબુદ કરવાનું વચન આપ્યું

ચેન્નાઇઃ તામિલનાડુની શાસક પાર્ટી DMKએ તેનો લોકસભાની ચૂંટણી- 2024 માટેનો મેનિફેસ્ટો લોન્ચ કર્યો છે. ડીએમકે તેના લોકસભાની ચૂંટણી માટેના ઢંઢેરામાં નેશનલ એલેજીબીલીટી એન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) નાબૂદ કરવાનું વચન આપ્યું છે. ડીએમકેના મેનિફેસ્ટો રાજ્યના મુખ્યપ્રધાન એમ કે સ્ટાલિન, સાંસદ કનિમોઝી અને અન્ય પાર્ટી નેતાઓની હાજરીમાં બહાર પાડવામાં આવ્યો હતો. DMKએ લોકસભાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી છે

ડીએમકે સુપ્રીમો એમ કે સ્ટાલિને જાહેર કર્યું છે કે રાજ્યમાં સીએએ અને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે નહીં. મેનિફેસ્ટોમાં બંધારણની કલમ 361માં સુધારાનું વચન આપવામાં આવ્યું છે જે ગવર્નરને ફોજદારી કાર્યવાહીથી બચાવે છે. ડીએમકેએ જણાવ્યું હતું કે જો I.N.D.I.A. બ્લોક સત્તામાં આવે છે, તો નવી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોની વિનંતીઓના આધારે યોજનાઓનો મુસદ્દો તૈયાર કરવા માટે આયોજન પંચની પુનઃસ્થાપના કરવામાં આવશે.


મેનિફેસ્ટોમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ડીએમકે સત્તામાં આવશે તો એલપીજી સિલિન્ડર 500 રૂપિયાના ભાવે , પેટ્રોલ 75 રૂપિયે અને ડીઝલ 65 રૂપિયામાં વેચવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને NEET તામિલનાડુમાં લાગુ કરવામાં આવશે નહીં. સંસદ અને વિધાનસભામાં મહિલાઓ માટે 33% અનામત તાત્કાલિક ધોરણે લાગુ કરવામાં આવશે. કેન્દ્રીય નોકરીઓ માટેની સરકારી પરીક્ષાઓ તમિલ ભાષામાં લેવામાં આવશે. ભારત પરત કરેલા શ્રીલંકાના તામિલોને ભારતીય નાગરિકત્વ આપવાનું વચન પણ DMKએ આપ્યું છે. રાજ્યની મહિલાઓને દર મહિને હજાર રૂપિયા આપવાનું અને નેશનલ હાઈવે પરથી ટોલ પ્લાઝા બંધ કરવાનું પણ વચન આપવામાં આવ્યું છે. DMKએ જણાવ્યું છે કે તમિલનાડુમાં કેન્દ્ર સરકારની કચેરીઓમાં તમિલને સહ-સત્તાવાર ભાષા તરીકે જાહેર કરવામાં આવશે. તે સુનિશ્ચિત કરશે કે તમિલનાડુમાં તમામ કેન્દ્રીય સરકારી કચેરીઓ, સંસ્થાઓ અને રાષ્ટ્રીયકૃત બેંકો પણ તમિલમાં જ કાર્ય કરે.

I.N.D.I.A. બ્લોકે તમિલનાડુમાં સીટ-વહેંચણીની ગોઠવણને પણ અંતિમ સ્વરૂપ આપી દીધું છે. ડીએમકે રાજ્યની 39 સીટોમાંથી 21 સીટો પરથી ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ તમિલનાડુમાં નવ બેઠકો અને પુડુચેરીની એકમાત્ર બેઠક પર ચૂંટણી લડશે. રાજ્યમાં દલિત પક્ષ વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK), ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી) અને ભારતીય સામ્યવાદી પક્ષને બે-બે બેઠક પરથી ચૂંટણી લડશે. મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK) અને ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) એક-એક સીટ પરથી લડવાની તક મળી છે.


2019ની લોકસભા ચૂંટણીમાં, ડીએમકેના નેતૃત્વ હેઠળના ગઠબંધને રાજ્યની લોકસભા ચૂંટણીમાં 39માંથી 38 બેઠકો જીતી હતી. 1967 પછી કોઈપણ રાષ્ટ્રીય પક્ષ દક્ષિણના રાજ્યમાં પોતાની છાપ ઊભી કરી શક્યો નથી. ભાજપ પણ તમિલનાડુમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button