ડીએમકેના નેતા એ. રાજાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન અને અલગ દેશનો રાગ આલાપ્યો

DMKના નેતા એ રાજા ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે ભારત અને સનાતન ધર્મ અંગે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એ રાજાએ તેમના તાજેતરના એક નિવેદનમાં કહ્યું, “ભારત એક રાષ્ટ્ર નથી. આ વાત સારી રીતે સમજો. ભારત ક્યારેય રાષ્ટ્ર નહોતું. ભારત એક રાષ્ટ્ર નથી, પણ એક ઉપખંડ (ઉપમહાદ્વીપ) છે.
એ. રાજાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 4 માર્ચે, સુપ્રીમ કોર્ટે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનને તેમના સનાતન વિરોધી નિવેદન માટે ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે તેમણે તેમના નિવેદનના પરિણામો જાણવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે “તમે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો છે અને હવે તમે રાહત માંગી રહ્યા છો. તમે સામાન્ય માણસ નથી, તમે રાજકારણી છો.”
હનુમાનજીની સરખામણી વાંદરાની સાથે
ડીએમકે નેતા એ રાજા વીડિયોમાં કહેતા જોવા મળે છે કે જો તમે કહો કે રામ તમારા ભગવાન અને ભારત માતા કી જય છે, તો અમે તે ભગવાન અને ભારત માતાને ક્યારેય સ્વીકારીશું નહીં. તેમને કહો કે આપણે બધા રામના દુશ્મન છીએ. તેમણે કહ્યું કે મને રામાયણ અને ભગવાન રામમાં શ્રધ્ધા નથી. એ રાજાએ ભગવાન હનુમાનની તુલના વાનર સાથે કરી અને ‘જય શ્રી રામ’ના નારાને ઘૃણાસ્પદ ગણાવ્યા હતો.
એ રાજાનું સંપૂર્ણ નિવેદન શું છે?
પૂર્વ કેન્દ્રીય મંત્રી એ રાજાએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, ભારત ક્યારેય એક રાષ્ટ્ર નહોતું. એક રાષ્ટ્ર એટલે એક ભાષા, એક પરંપરા અને એક સંસ્કૃતિ હોય તો જ તે રાષ્ટ્ર બને છે. ભારત એક રાષ્ટ્ર નથી, પણ એક ઉપમહાદ્વીપ છે.
ભારતને ઉપમહાદ્વીપ કહેવાનું કારણ સમજાવતાં તેમણે કહ્યું કે, અહીં તમિલ એક રાષ્ટ્ર અને એક દેશ છે. મલયાલમ એક ભાષા, એક રાષ્ટ્ર અને એક દેશ છે. ઓડિસા એક રાષ્ટ્ર, એક ભાષા અને એક દેશ છે. જો આ બધા રાષ્ટ્રો મળીને ભારત બનાવે તો ભારત દેશ નથી. આ એક ઉપમહાદ્વીપ છે.
‘તમિલનાડુ, કેરળ અને દિલ્હીની સંસ્કૃતિ અલગ છે’
એ રાજાએ આગળ કહ્યું, “ત્યાં ઘણી પરંપરાઓ અને સંસ્કૃતિઓ છે. જો તમે તમિલનાડુમાં આવો તો ત્યાંની એક સંસ્કૃતિ છે. કેરળમાં બીજી સંસ્કૃતિ છે. દિલ્હીમાં બીજી સંસ્કૃતિ છે. ઓડિસામાં બીજી સંસ્કૃતિ છે.
તેમણે વધુમાં કહ્યું, “તે જ રીતે, કાશ્મીરમાં પણ એક સંસ્કૃતિ છે. તેનો સ્વીકાર કરો. મણિપુરમાં લોકો કૂતરાનું માંસ ખાય છે, આ હકીકત સ્વીકારો. જો કોઈ સમુદાય બીફ ખાય તો તમને શું સમસ્યા છે? શું તેઓએ તમને ખાવાનું કહ્યું? તેથી, વિવિધતામાં એકતા હોવા છતાં, આપણી વચ્ચે મતભેદ છે. તેનો સ્વીકાર કરો.