પહેલા પ્રિયંકા અને હવે રાહુલ ગાંધીને મળશે ડીકે શિવકુમાર, સિક્રેટ મીટિંગના કારણો શું?

બેંગલુરૂ: કર્ણાટકમાં મુખ્ય પ્રધાન બદલવાની અટકળો દિવસેને દિવસે વધતી જાય છે. કર્ણાટક સરકારની કેબિનેટમાં પણ ફેરફાર કરવાની વાત ચાલી રહી છે. આ બધાની વચ્ચે કર્ણાટક કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમાર એઆઈસીસીના વરિષ્ઠ નેતાઓ સાથે ખાનગી બેઠકો કરી રહ્યા છે. જોકે, તેમની આ બેઠકોનું સાચું કારણ સામે આવ્યું નથી.
ડીકે શિવકુમારની પ્રિયંકા ગાંધી સાથે બેઠક
સામાન્ય રીતે ડીકે શિવકુમાર નાના-મોટા દરેક નેતાઓને મળે છે, તો તેઓ તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે. પરંતુ આ વખતે તેમણે એવું કર્યું નથી. 9 જુલાઈના રોજ ડીકે શિવકુમાર સોનિયા ગાંધીના નિવાસસ્થાને પ્રિયંકા ગાંધીને મળ્યા હતા. પરંતુ તેમણે પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કર્યાનો કોઈપણ કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો નથી. જેથી તેમની આ મુલાકાતમાં શું વાતચીત થઈ તે જાણવાની દરેકને ઉત્સુકતા છે.
રાહુલ ગાંધી તો ચૂંટણીના પ્રચારમાં છે વ્યસ્ત
પ્રિયંકા ગાંધી સાથે 30 મિનિટ સુધી ચાલેલી બેઠકમાં તેમણે કર્ણાટકના રાજનીતિક માહોલ વિશે વાત કરી હતી. પ્રિયંકા ગાંધી બાદ હવે ડીકે શિવકુમાર રાહુલ ગાંધીને મળવા ઈચ્છે છે. જેના માટે તેમણે રાહુલ ગાંધી પાસે સમયની માંગ કરી છે. જોકે, હાલ રાહુલ ગાંધી બિહારની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે.
કેબિનેટમાં ફેરફાર કરવા ઈચ્છે છે સિદ્ધારમૈયા
ડીકે શિવકુમારની જેમ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા પણ કૉંગ્રેસના મોવડીમંડળ સાથે બેઠક કરવા ઇચ્છે છે. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ મીડિયાને જણાવ્યું હતું કે, તેઓ વિધાન પરિષદના ચાર સભ્યોના નામ એઆઈસીસીના મહાસચિવ આરએસ સુરજેવાલા સાથે વાત કરશે. નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે આ અંગે જણાવ્યું હતું કે, વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલા જ નામોને ફાઈનલ કરી દેવામાં આવશે.
પાંચ વર્ષ સુધી હું જ મુખ્ય પ્રધાન રહીશ
સિદ્ધારમૈયા અગાઉ કહી ચૂક્યા છે કે, પાંચ વર્ષ સુધી હું જ મુખ્ય પ્રધાન રહીશ. પરંતુ તેમની પાર્ટીમાં હજુ પણ કેટલાક નેતાઓ મુખ્ય પ્રધાન બદલવાની માંગ કરી રહ્યા છે. આ અટકળો વચ્ચે કેબિનેટમાં ફેરફાર કરવાની વાત સામે આવી છે. જેની મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન પુષ્ટી કરી ચૂક્યા છે. જોકે, કર્ણાટકમાં મુખ્ય પ્રધાન બદલાશે કે નહીં એ તો આગામી સમય જ નક્કી કરશે.