દિવાળી પછી દિવાળીઃ ટનલમાં ફસાયેલા મજૂરો ઘરે પહોંચ્યા, પરિવારોમાં હરખ
17 દિવસ ટનલમાં ફસાયા બાદ બહાર નીકળેલા 41 મજૂર તબીબી પરિક્ષણ બાદ પોતાના વતન પહોંચ્યા હતા ત્યારે પરિવારના સભ્યોના હરખના આંસુ રોકાતા ન હતા અને દરેક પરિવારો અને આખા ગામમાં દિવાળી જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.
ઉત્તરાખંડના ઉત્તરકાશીના સિલ્ક્યારા સુરંગમાં ફસાયેલા શ્રાવસ્તી અને લખીમપુર ખેરીના મજૂરો જ્યારે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે ભાવુક દશ્યો સર્જાયા હતા. ગામના લોકોએ ડીજે વગાડીને તેમનું સ્વાગત કર્યું હતું. મહિલાઓએ આરતી કરી ટીળક લગાવ્યું હતું. સૌએ જાણે આજ દિવાળી મનાવી હોય તેવો માહોલ હતો. અત્રે ઉલ્લેખનીય છે અહીના છ મજૂર ટનલમાં ફસાયા હતા ત્યારે એક મજૂર અંકિતે ફરી આવા કામ માટે જવાની બાધા લઈ લીધી હતી. તેણે કહ્યું કે અમે મોતને નજરની સામે જોયું છે.
મોતીપુર કાલા એ શ્રાવસ્તીના સિર્સિયા બ્લોકની ભારત નેપાળ સરહદ પર આવેલું એક ગામ છે. અહીં 70 ટકા લોકો કામ માટે બહાર જાય છે. છેલ્લા 4 મહિના પહેલા 6 મજૂરો મજૂરી કરવા માટે ઘરેથી ઉત્તરાખંડ ગયા હતા. આ તમામ લોકો 12 નવેમ્બરે ઉત્તરકાશીમાં સુરંગની અંદર 41 મજૂરો સાથે ફસાયા હતા.
અંકિતે કહ્યું કે અમારી પાસે ટનલમાં ટાઈમ પાસ કરવા માટે કંઈ નહોતું, અમારી પાસે ફક્ત અમારો મોબાઈલ ફોન હતો, પરંતુ તે ચાર્જ થતો નહોતો. બાળપણમાં અમે પેન અને કાગળમાં લખીને સમય પસાર કરવા માટે રાજા રાણી ચોર સિપાહી રમત રમતા. બાકીની અઢી કિલોમીટર લાંબી ટનલ હતી, જેમાં અમે ચાલતા હતા અને યોગા પણ કરતા હતા. જોકે દરેકને પરિવારની ચિંતા સતાવતી હતી અને ક્યારેક બહાર નીકળીશું કે કેમ તેવા સવાલો સતાવતા હતા. આ અગાઉ પણ તેઓ ટનલનું કામ કરી ચૂક્યા છે, પરંતુ આ અનુભવ ભૂલી શકાય તેમ નથી.
ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લાનો મનજીત પણ સુરંગમાં ફસાઈ ગયો હતો. સુરંગમાંથી બહાર આવીને જ્યારે મનજીત તેના ઘરે પહોંચ્યો ત્યારે તેની બહેનોએ ટિલક અને આરતી કરીને ભાઈબીજની ઉજવણી કરી. મનજીતની બહેનોએ કહ્યું કે તેઓ તેમના ભાઈની રાહ જોઈ રહ્યા હતા. તે દિવસોમાં ઘરમાં દિવાળી કે ભાઈબીજ મનાવવાનો તો સવાલ જ ન હતો. આજે મનજીત ઘરે આવ્યો છે તેથી અમે ખુશ છીએ અને હવે અમે ખરી ભાઈબીજ ઉજવી રહ્યા છીએ.
મંજીતે કહ્યું કે તેની માતા અને બહેનોની પ્રાર્થના જ તેને 17 દિવસ બાદ હેમખેમ પાછા લાવી છે. મનજીત ઘરે પહોંચતાની સાથે જ તેની માતાને ગળે લગાવી રડવા લાગ્યો. પુત્રને જોઈને ભાવુક માતા પણ રડવા લાગી. મનજીતના ઘરે હાજર લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. સમગ્ર ગામમાં રોશની હતી જ્યારે દરેકના ઘરની બહાર રંગોળી પણ કરવામાં આવી હતી.