દિવ્યા પાહુજાને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારવામાં આવી હતી

ગુરુગ્રામઃ ગેંગસ્ટર સંદીપ ગડોલીની ગર્લફ્રેન્ડ મોડલ દિવ્યા પાહુજા હત્યા કેસમાં મોટું અપડેટ બહાર આવ્યું છે. દિવ્યાના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ઘણા ખુલાસા થયા છે. ડોક્ટરોને દિવ્યાના માથામાં ગોળી મળી હતી. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે મોડલને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી શૂટ કરવામાં આવી હતી, એટલે કે હોટલના માલિક અભિજીત સિંહે તેને ખૂબ જ નજીકથી માથામાં ગોળી મારી હતી.
દિવ્યાનું પોસ્ટમોર્ટમ હિસારના અગ્રોહા મેડિકલ કોલેજમાં થયું હતું. આ દરમિયાન મોડલની માતા અને ભાઈ હોસ્પિટલમાં હાજર હતા. પોસ્ટમોર્ટમ બાદ દિવ્યાના પરિવારજનો મૃતદેહને ગુરુગ્રામ લઈ ગયા હતા. રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે દિવ્યાને પોઈન્ટ બ્લેન્ક રેન્જમાંથી ગોળી મારવામાં આવી હતી. આ ઉપરાંત તેના માથામાં એક ગોળી પણ મળી આવી હતી.
હત્યાના 11 દિવસ બાદ દિવ્યાનો મૃતદેહ હરિયાણાની ટોહાના કેનાલમાંથી મળી આવ્યો હતો. 2 જાન્યુઆરીએ તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને 3 જાન્યુઆરીએ બલરાજ ગિલ દ્વારા તેની લાશને કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી, એટલે કે મોડલની ડેડ બોડી લગભગ 10 દિવસ સુધી પાણીમાં રહી. જ્યારે દિવ્યાને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે તેના માથાના વાળ ગાયબ હતા. પોલીસને તેની ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. તેની માતાએ તેની પીઠ અને હાથ પરના ટેટૂઝ દ્વારા તેને ઓળખી હતી.
નોંધનીય છે કે 2 જાન્યુઆરીએ ગુરુગ્રામના હોટેલ સિટી પોઈન્ટમાં દિવ્યાની હત્યા કરવામાં આવી હતી. તેને હોટેલના માલિક અભિજીત સિંહે ગોળી મારી હતી. બલરાજ ગિલ નામના વ્યક્તિએ દિવ્યાનો મૃતદેહ BMW કારના ટ્રંકમાં નાખ્યો અને ત્યાર બાદ તે ગાયબ થઈ ગયો હતો. પોલીસે બલરાજ ગીલને ઘણા દિવસો પછી પકડ્યો હતો. તે વિદેશ જવાનો પ્લાન બનાવી રહ્યો હતો.
બલરાજ પકડાયાના બીજા જ દિવસે દિવ્યાનો મૃતદેહ મળી આવ્યો હતો. મુખ્ય આરોપી અભિજીત સિંહે જણાવ્યું કે તેણે દિવ્યાની હત્યા કરી હતી કારણ કે તેના ફોનમાં કેટલીક અશ્લીલ તસવીરો હતી જેનાથી તે તેને વારંવાર બ્લેકમેલ કરતી હતી. જોકે, દિવ્યાના પરિવારજનોનું કહેવું છે કે ગેંગસ્ટર સંદીપ ગડોલીના ભાઈ અને બહેને હોટેલના માલિક પાસે તેની હત્યા કરાવી હતી.