
બરેલી/ગાઝિયાબાદઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી દિશા પટણીના ઘરે ફાયરિંગ કરવાના કિસ્સામાં ઉત્તર પ્રદેશની એસટીએફ (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)ને મોટી સફળતા મળી છે. ગાઝિયાબાદ સ્થિત ટ્રોનિકા સિટી વિસ્તારમાં આજે નોએડા અને સીઆઈ યુનિટ દિલ્હીની સંયુક્ત ટીમ દ્વારા બે શખસનું એન્કાઉન્ટર કર્યું છે. આ બંને જણની ઘાયલ અવસ્થામાં ઝડપ્યા હતા. બંને ગંભીર રીતે ઘાયલ થયા પછી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ બંનેની ઓળખ રોહતકના કહાની નિવાસી કલ્લુના પુત્ર રવિન્દ્ર અને સોનીપતના ઈન્ડિયન કોલોનીના રહેવાસી રાજેન્દ્રના પુત્ર અરુણ તરીકે કરવામાં આવી છે. આ બંને ગુનેગારો સામે અનેક ગુનાહિત ઘટનાઓમાં સંડોવાયેલા છે. એસટીએફએ જણાવ્યું છે કે બંને બદમાશ કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બરાર અને રોહિત ગોદારા ગેંગના સક્રિય સભ્ય છે. ઘટનાસ્થળેથી ગ્લોક અને જિગાના પિસ્તોલ અને મોટી સંખ્યામાં કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ફાયરિંગના દિવસે દિશા પટણીના ઘરે કોનો કોલ આવ્યો હતો, જાણો પોલીસે શું કહ્યું?
12મી સપ્ટેમ્બરના વહેલી સવારના 3.45 વાગ્યાના સુમારે બન્યો હતો, જ્યારે બે હુમલાખોરોએ બરેલીમાં દિશા પટનીના ઘરે લગભગ નવ રાઉન્ડના ગોળીબાર કર્યા હતા અને ઘટનાની જવાબદારી ગોલ્ડી બરાર અને રોહિત ગોદારા ગેંગે લીધી હતી. દિશા પટણીના ઘરે ફાયરિંગના કિસ્સા પછી બરેલીમાં કેસ નોંધવામાં આવ્યો હતો તથા પોલીસ પ્રશાસન દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
ગેંગસ્ટરે દાવો કર્યો હતો કે આ હુમલો દિશા પટણીની બહેન ખુશ્બુ પટણી દ્વારા કથાવાચક પ્રેમાનંદ મહારાજ અને અનિરુદ્ધાચાર્ય પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી પછી બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. ઘટના પછી મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દિશાના પિતા અને પૂર્વ ડીએસપી જગદીશ પટણી સાથે પણ વાત કરી હતી અને સુરક્ષા પૂરી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ફાયરિંગના કિસ્સામાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ એનાલિસિસ કરીને આરોપીઓની ઓળખ કરી હતી.