ગુજરાત સહિત દેશભરના વેપારીઓ માટે રાહતના સમાચારઃ ભારત-ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થશે

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચેના સંબંધો ઘણા સમયથી વિવિધ રાજકીય પરિસ્થિતિને લીધે તંગ રહ્યા છે, પરંતુ બીજી બાજુ બન્ને દેશો વચ્ચે વેપાર વ્યવહાર થતો જ રહે છે. ચીન સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ છે અને ભારતના કેટલાય નાના-મોટા ઉદ્યોગધંધા તેમના પર નિર્ભર છે. બીજી બાજુ ભારત પણ મોટા પ્રમાણમાં ચીનમાં માલ સપ્લાય કરે છે. આપણે ભલે ચીની માલનો વિરોધ કરીએ, પરંતુ હકીકતમાં ગ્લોબલાઈઝેશન પછી બે દેશો વચ્ચેનો વ્યવહાર અચાનક ઠપ કરવો શક્ય બનતું નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અટેક બાદ ભારત અને ચીન નજીક આવી રહ્યા છે, જેનો ફાયદો વેપાર-ઉદ્યોગમાં પણ થશે. આ સુધરેલા સંબંધોના પગલે હવે ચીન અને ભારત વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત કરવામાં આવી ચેહ.
તાજેતરમાં ભારત સરકારે ચીનના નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ કર્યા હતાં, ત્યાર બાદ બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિવિલ એવિએશન ઓથોરીટી વચ્ચેના કરારથી ભારત અને ચીન વચ્ચેના પીપલ-ટૂ-પીપલ કોન્ટેક્ટ વધુ સરળ બનશે. જેના કારણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધ સુધરશે અને આર્થિક સહયોગ આગળ વધશે.
પાંચ વર્ષ બાદ શરુ થશે ફ્લાઈટ:
નોંધનીય છે કે વર્ષ 2020માં કોરોના પાનડેમિક ને કારણે બંને દેશો વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ બંધ કરવામાં આવી હતી. બંને દેશોની સેનાઓ વચ્ચે થયેલી અથડામણ અને રાજકીય તણાવને કારણે આ ફ્લાઈટ ફરી શરુ કરવામાં આવી ન હતી.
આ વર્ષે જાન્યુઆરીમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીની ચીન મુલાકાત દરમિયાન ડાયરેક્ટ ફ્લાઈટ ફરી શરૂ કરવા માટે સમજુતી કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, સિવિલ એવિએશન ઓથોરીટી ફ્લાઈટ સર્વિસ ફરી શરૂ કરવા માટે ચર્ચા કરી રહ્યા હતાં. હવે મતભેદો દુર કરવામાં આવ્યા છે.
આ તારીખથી શરુ થશે ફ્લાઈટ:
વિદેશ મંત્રાલયની જાહેરાતના બાદ ઇન્ડિગો એરલાઇન્સની જાહેર કર્યું કે તે 26 ઓક્ટોબરથી કોલકાતા અને ગુઆંગઝુ વચ્ચે ડેઈલી નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ કરશે. આ ઉપરાંત ઈન્ડીગો દિલ્હી અને ગુઆંગઝુ વચ્ચે પણ ફ્લાઈટ શરુ કરશે, જેની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એર ઇન્ડિયા વર્ષના અંત સુધીમાં દિલ્હી અને શાંઘાઈ વચ્ચે નોનસ્ટોપ શરૂ કરે તેવી શક્યતા છે.
દ્વિપક્ષીય સંબંધો સુધારવા વધુ એક પગલું:
નોંધનીય છે છેલ્લા એક વર્ષથી ભારત અને ચીન વચ્ચે સંબંધો સુધારવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, સીમા પર બંને સેનાઓ પાછી હટાવવા માટે કરાર કરવામાં આવ્યો હતો. ગત મહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના તિયાનજિન શહેરમાં આયોજિત SCO સમિટમાં હાજરી આપી હતી અને ચીન રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. હવે આ દિશામાં વધુ એક પગલું ભરવામાં આવ્યું છે.
આ પણ વાંચો…ભારત-ચીન વચ્ચે પાંચ વર્ષ બાદ ફરી શરૂ થશે ફ્લાઈટ સેવા, SCO સમિટમાં થઈ શકે જાહેરાત