નેશનલ

થરૂરના રસ્તે દિગ્વિજય સિંહ? પહેલા કર્યા RSS-BJPના વખાણ, પછી શું થયું…

નવી દિલ્હી: દિગ્વિજય સિંહે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીનો વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટો એ સમયનો છે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપમાં એક કાર્યકર્તા તરીકે કામ કરતા હતા. ફોટો એક સભાનો છે. જેમાં લાલ કૃષ્ણ અડવાણી ખુરશી પર બેઠા છે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની આગળ નીચે બેઠા છે. આ ફોટોને કૉંગ્રેસના નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને RSS-BJPના વખાણ કર્યા છે. જેનાથી વિવાદ સર્જાયો છે.

દિગ્વિજય સિંહે RSS-BJPના વખાણમાં શું કહ્યું?

દિગ્વિજય સિંહે એક્સ પર એક ફોટો શેર કરીને લખ્યું કે, “Quora Site પર મને આ ફોટો મળ્યો. ઘણો પ્રભાવશાળી છે. કેવી રીતે RSSના જમીની સ્વયંસેવક તથા જનસંઘ(ભાજપ)ના કાર્યકર્તા નેતાઓના ચરણોમાં નીચે બેસીને રાજ્યના મુખ્ય પ્રધાન તથા દેશના વડા પ્રધાન બન્યા. આ સંગઠનની શક્તિ છે. જય સિયા રામ.”

એક્સ પર લખેલી આ પોસ્ટમાં દિગ્વિજય સિંહે કૉંગ્રેસ, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખરગે, પ્રિયંકા ગાંધી, જયરામ રમેશ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ પણ કર્યા છે. જોકે, દિગ્વિજય સિંહની આ પોસ્ટ બાદ કૉંગ્રેસમાં ખડભડાટ મચી ગયો છે. જેથી દિગ્વિજય સિંહે પોતાની એક્સ પોસ્ટને લઈને સ્પષ્ટતા કરવાની નોબત આવી છે.

હું મોદીનો કટ્ટર વિરોધી હતો, છું અને રહીશ

દિગ્વિજય સિંહે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, “હું સંગઠનનું સમર્થન કરૂં છું. હું RSS અને મોદીજીનો વિરોધી છું. તમે ખોટું સમજ્યા છો. મે ‘સંગઠન’ની પ્રશંસા કરી છે. હું RSS અને મોદીનો કટ્ટર વિરોધી હતો છું અને રહીશ. શું સંગઠનને મજબૂત કરવું અને તેની પ્રશંસા કરવી ખોટી વાત છે?”

ઉલ્લેખનીય છે કે, અગાઉ શશિ થરૂર પણ ઘણીવાર ભાજપ તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી ચૂક્યા છે. હવે દિગ્વિજય સિંહ પણ તેમના રસ્તે ચાલી રહ્યા હોય, એવું લાગી રહ્યું છે. તાજેતરમાં દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીને કૉંગ્રેસમાં ધ્યાન આપવાની અને સંગઠનમાં સુધારો કરવાની સલાહ આપી છે.

આ પણ વાંચો…થોડું કૉંગ્રેસ પર પણ ધ્યાન આપો: રાહુલ ગાંધીને કોણે આપી આ સલાહ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button