થોડું કૉંગ્રેસ પર પણ ધ્યાન આપો: રાહુલ ગાંધીને કોણે આપી આ સલાહ?

નવી દિલ્હી: દેશની સૌથી જૂની પાર્ટી ગણાતી કૉંગ્રેસનું દિવસેને દિવસે રાજકીય ક્ષેત્રે પ્રદર્શન નબળું પડી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી કૉંગ્રેસ ઘણા રાજ્યોમાંથી પોતાની સત્તા અને બેઠકો ગુમાવી રહ્યું છે. પોતાના આ પ્રદર્શનને સુધારવા માટે અવારનવાર કૉંગ્રેસ વર્કિંગ કમિટિની(CWC) બેઠક યોજાય છે. જોકે, આ બેઠકોનું કોઈ સચોટ પરિણામ મળી રહ્યું નથી. જેથી તાજેતરમાં યોજાયેલી બેઠકમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીને સલાહ આપી છે.
કૉંગ્રેસમાં સુધારો કરવાની જરૂર છે
CWCની બેઠકમાં મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પાર્ટીના કેન્દ્રીકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. દિગ્વિજય સિંહે CWCની બેઠકમાં જણાવ્યું કે, પાર્ટીમાં સુધારાઓ કરવાની ઘણી જરૂર છે. પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરવામાં આવે છે, પરંતુ કમિટિનું ગઠન કરવામાં આવતું નથી. દિગ્વિજય સિંહનું આ નિવેદન સીધા રાહુલ ગાંધીની કામગીરી પણ સવાલો ઊભા કરી રહ્યું છે.
થોડું કૉંગ્રેસ પર ધ્યાન આપો
CWCની બેઠકમાં કહેલી વાત ઉપરાંત દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીને ટેહ કરીને એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર તમે ઘણું સારું કામ કરી રહ્યા છો, તમને પૂરેપૂરા માર્ક્સ મળે છે, પરંતુ હવે થોડું ધ્યાન કૉંગ્રેસ પર પણ આપો. કારણ કે કૉંગ્રેસમાં પણ ચૂંટણી પંચની જેમ સુધારાની જરૂર છે. તમે સંગઠન સર્જનની શરૂઆત તો કરી દીધી છે, પરંતુ ફક્ત તેનાથી કામ ચાલશે નહીં.
દિગ્વિજય સિંહે આગળ લખ્યું કે, કૉંગ્રેસને વિકેન્દ્રીકરણનું જરૂર છે. મને ખબર છે કે તમે એવું કરશો. કારણ કે તમે કરી શકો છો. બસ, એક સમસ્યા છે તમને મનાવવા. તમને મનાવવા સરળ નથી. જય સિયા રામ…!
આ પણ વાંચો…ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન સામે સુપ્રીમ કોર્ટમાં અરજી, પીડિતાએ રાહુલ ગાંધી પાસે માંગી મદદ



