મહાકુંભના નામે કંઈપણ કરે છે લોકોઃ આ જાહેરખબર થઈ રહી છે વાયરલ

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કુંભમેળો ચાલી રહ્યો છે અને આજે 34મો દિવસ છે, જે બસ પૂરો થવા આવ્યો છે. 26મી ફેબ્રુઆરી, 2025ના રોજ મહાશિવરાત્રીના રોજ મહાકુંભની સમાપ્તિ થશે. દર 12 વર્ષે યોજાતો આ મેળો આ વર્ષે ખાસ સંયોગ પર યોજાયો છે અને આવો સંયોગ 144 વર્ષે આવે છે તેમ પણ કહેવાય છે. લોકો કરોડોની સંખ્યામાં અહીં ડૂબકી લગાવવા આવે છે અને એક આંકડા પ્રમાણે લગભગ 50 કરોડ શ્રદ્ધાળુ અહીં આવી ચૂક્યા છે. જોકે હજુ એવા કરોડો શ્રદ્ધાળુ છે જેઓ ઈચ્છા હોવા છતાં અલગ અલગ કારણોસર કુંભમેળામાં આવી શક્યા નથી. આવા લોકો માટે એક વિચિત્ર પ્રકારની જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ જાહેરાતમાં લખ્યું છે કે આવો કુંભમેળો વર્ષો બાદ આવે છે આથી જો તમે સંગમમાં ડૂબકી મારી શક્યા ન હો તો તમારો ફોટો મોકલો, અમે તે ફોટાને સંગમમાં ડૂબકી મરાવીશું. આ સાથે એમ પણ લખ્યું હતું કે આમ કરવાથી તમારો આત્મા શુદ્ધ થશે અને તમને ડિજિટલી ડૂબકી લગાડવાના પણ આર્શીવાદ મળશે અને તમારા પૂર્વજોને પણ આનંદ થશે. છેલ્લે લખ્યું છે કે આવો અવસર ફરી નહીં આવે. આ ડૂબકી માટેની ફી રૂ. 500 રાખવામાં આવી છે. આ જાહેરાતને નેટીઝન્સ પણ પ્રતીક્રિયાઓ આપી રહ્યા છે.
Also read: મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓની બોલેરોની બસ સાથે ટક્કર, 10 નાં મૃત્યુ…
એક યુઝરે લખ્યું છે કે વર્ક ફ્રોમ હૉમ સાંભળ્યું છે, ડીપ ફ્રોમ હૉમ પહેલીવાર સાંભળી રહ્યો છું. બીજાએ લખ્યું છે કે પછી મોક્ષ પણ ડિજિટલી જ મળશે. એક યુઝરે ગુસ્સો ઠાલવતા જણાવ્યું છે કે મહાકુંભને પણ મજાક બનાવી નાખ્યો છે.