
નવી દિલ્હીઃ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટ બાદ દેશની સુરક્ષા એજન્સીઓ આતંકીઓની ઝડપી પાડવામાં સતત તપાસ કરી રહી છે. તેવામાં હવે એક અન્ય એક મોટી વિગત જાણવા મળી છે. સાયબર ગઠિયાઓએ હવે દિલ્હી બ્લાસ્ટના નામે લોકો સાથે છેતરપિંડી કરવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, દિલ્હી બ્લાસ્ટના નામે હવે સાયબર ગુનેગારો NIA કે CBI અધિકારીની ઓળખ આપીને લોકોને ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકીઓ આપી રહ્યાં છે, અને લાખો રૂપિયા ખંખેરી રહ્યાં છે.
સાયબર દોસ્ત દ્વારા ખાસ ચેતવણી આપવામાં આવી
મહત્વની વાત એ છે કે, સાયબર દોસ્ત દ્વારા લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે, ડિજિટલ એરેસ્ટ જેવું કોઈ કાર્યવાહી પોલીસ કે સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવતી નથી. એટલે કે ડિજિટલ એરેસ્ટ એ 100 ટકા છેતરપિંડી છે. જો તમારે આવો કોઈ કોલ, મેસેજ કે વીડિયો કોલ આવે છે તો તમારે સત્વરે 1930 પર કોલ કરીને જાણ કરવાની છે. સાયબર દોસ્ત એેક્સ પર વીડિયો પોસ્ટ કરીને જાણકારી આપી છે.
દિલ્હી બ્લાસ્ટના નામે ડિજિટલ ધરપકડની ધમકી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરના સત્તાવાર હેન્ડલ સાયબર દોસ્તે આ મામલે એક્સ પર એક વીડિયો પોસ્ટ કરીને જાહેર જનતાને ચેતવણી આપી છે. છેતરપિંડી કરનારાઓ હવે દિલ્હી બ્લાસ્ટના નામે લોકોને ડિજિટલ ધરપકડની ધમકી આપી રહ્યાં છે અને લાખો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યાં છે. જેથી સાયબર દોસ્ત દ્વારા સ્પષ્ટ મેસેજ આપવામાં આવ્યો છે કે, ડિજિટલ એરેસ્ટ સંપૂર્ણપણે ફ્રોડ છે અને તે 100% છેતરપિંડી કરવાની જાળ છે. જેથી આવા કોઈ પણ વ્યક્તિના કોલ કે મેસેજથી ડરવું નહીં. જો આવું કંઈ થાય છે તે, સત્વરે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવી, જેથી મદદ મળી રહેશે.
લોકોને ઠગવા સાયબર ગઠિયાઓએ નવી રીત અપનાવી
સાયબર ગઠિયાઓ સામાન્ય નાગરિકોને ફોન અથવા વીડિયો કોલ કરે છે અને ATS, CBI, NIA અથવા દિલ્હી પોલીસના અધિકારી હોવાની ઓળખ આપીને લોકોને ધમકાવે છે. આ દરમિયાન ફોનમાં એવું કહેવામાં આવે છે કે, દિલ્હી બ્લાસ્ટની તપાસ દરમિયાન તમારો મોબાઈલ નંબર કે આધાર નંબર આતંકવાદી સાથે જોડાયો છે, જેથી તમને ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકીઓ પણ આપવામાં આવે છે. આ દરમિયાન બીજી અનેક ધમકીઓ આપીને પરિવારને રૂપિયા ટ્રાન્સફર કરાવવા માટે દબાણ કરવામાં આવે છે.
સાયબર ગઠિયાઓનો કોલ આવે તો સૌથી પહેલા શું કરવું?
યાદ રાખો કે, ડિજિટર એરેસ્ટ એ છેતરપિંડી છે, તેનાથી ડરવાની કોઈ જરૂર નથી, માત્રને માત્ર તકેદારી રાખવાની જરૂર છે. જો આવો કોઈ કોલ આવે છે તો પહેલા તો કોલ કાપી નાખો થવા તો સાથે કોઈ બીજા વ્યક્તિને રાખો. સત્વરે કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે આ વાતને શરે કરો. ત્યાર બાદ તરત જ સાયબર ક્રાઈમ 1930 નંબર પર કોલ કરો અથવા તો સાયબર ક્રાઈમની સત્તાવાર વેબસાઈટ www.cybercrime.gov.in ફરિયાદ નોંધાવીને લેવી. આવો કોલ આવે ત્યારે તમારે સત્વરે તમારું બેંક ખાતું ફ્રીઝ કરાવી દેવાનું, આ દરમિયાન એક પણ રૂપિયો ટ્રાન્સફર કરવો નહીં. સૌથી મહત્વી વાત એ છે કે, આવો કોઈ પણ કોલ આવે ત્યારે સૌથી પહેલા સાયબર હેલ્પલાઈન પર કોલ કરીને ફરિયાદ નોંધાવી લેવી જેથી આ સાયબર ઠગોને પકડી શકાય અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી શકે.



