બંગાળમાં ન્યાય યાત્રામાં રાહુલને મુશ્કેલી, બેઠક યોજવા નથી મળી રહી પરવાનગી

Rahul Gandhi Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધીની ન્યાય યાત્રા હાલ પશ્ચિમ બંગાળમાં છે અને મમતા બેનરજીના બંગાળમાં યાત્રાને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ સિલિગુડીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી તેમની યાત્રા દરમિયાન કેટલીક સાર્વજનિક બેઠકોનું આયોજન કરવા માંગતા હતા પરંતુ એ માટે તેમને પરવાનગી મળી નથી.
બંગાળમાં ઘણા શહેરોમાં શાળાની પરીક્ષાઓ ચાલી રહી હોવાથી બેઠકો યોજીને સ્થાનિકો સાથે વાર્તાલાપ કરવાની કોંગ્રેસની જે યોજના હતી તેના પર અમલ કરવું શક્ય બન્યું નહોતું.
આસામ અને પૂર્વોત્તરમાં જે રીતે અમને યાત્રા આગળ વધારવામાં તકલીફ પડી હતી તે જ રીતે બંગાળમાં પણ અમને તકલીફ પડી રહી છે તેવું નિવેદન અધિર રંજન ચૌધરીએ સ્થાનિક મીડિયાને આપ્યું હતું.
“અમને એમ હતું કે અમે અમુક જગ્યાએ સાર્વજનિક બેઠકો કરીશું અને લોકો સાથે ચર્ચા પણ કરીશું. જો કે અમને મંજૂરી આપવાનો સ્થાનિક તંત્રએ ઇનકાર કરી દિધો હતો.
14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થયેલી ભારત જોડો ન્યાય યાત્રાએ ગુરુવારથી આસામથી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કર્યો હતો અને બે દિવસના બ્રેક બાદ યાત્રા 28 જાન્યુઆરીથી ફરી શરૂ થશે.
TMC સાંસદ શાંતનુ સેને જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં INDIA ગઠબંધન તૂટવા બદલ અધિર રંજન ચૌધરી જવાબદાર છે. અત્યારે તેઓ તકલીફ પડી રહી હોવાનું કહી રહ્યા છે પણ શાળાની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને તેમને મંજૂરી અપાઈ નથી. અન્ય ઘણા વિપક્ષો તેમના કાર્યક્રમો બંગાળમાં કરે જ છે. કોઇને સમસ્યા થતી નથી. તેમ ટીએમસી નેતાએ ઉમેર્યું હતું.