નેશનલ

કર્મચારીઓને અચાનક હડતાળ પર જવાનું ભારે પડશે, જાણો ‘લેબર લો’ના નવા નિયમો?

કેન્દ્ર સરકારે હડતાળ અને સામૂહિક રજાના નિયમો કડક બનાવાયા

New Strike Rules: કેન્દ્ર સરકારે શ્રમ (લેબર) સાથે જોડાયેલા 29 કાયદાને હટાવી દીધા છે અને તેના બદલે નવા 4 કાયદા ઘડ્યા છે. આ કાયદાઓને કારણે દરેક ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને ઘણા ફાયદા થશે, પરંતુ આ નવા કાયદાઓની સાથોસાથ કર્મચારીઓની ‘હડતાળ’ને લઈને નિયમોને કડક બનાવવામાં આવ્યા છે. નવા લેબર લો હેઠળ હડતાળના કેવા નિયમો તૈયાર કરાયા છે, આવો જાણીએ.

હડતાળ પહેલા આપવી પડશે નોટિસ

નવા લેબર લો દ્વારા કેન્દ્ર સરકારે ‘હડતાળ’ને લઈને કેટલાક નવા નિયમો ઉમેર્યા છે. આ નિયમો હેઠળ હવેથી કર્મચારીઓએ હડતાળ પર ઉતરતા પહેલા નોટિસ આપવી પડશે. કર્મચારીઓ નોટિસ આપ્યા બાદ જ તાળાબંધી અને હડતાળ પર ઉતરી શકશે. સામૂહિક કેઝ્યુઅલ રજાનો પણ આ નિયમોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેનાથી અચાનક થનારી હડતાળ અટકાવી શકાશે તથા કાયદેસરની કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાશે.

નવા નિયમો મુજબ હવે હડતાળ પર ઉતરવા ઈચ્છતા કર્મચારીઓએ 14 દિવસ પહેલા નોટિસ આપવી પડશે. ત્યાર બાદ જ કર્મચારીઓ હડતાલ પર ઉતરી શકશે. જો કોઈ દિવસ 50 ટકાથી વધારે કર્મચારીઓ અચાનક રજા લેશે તો તેને પણ હડતાલની શ્રેણીમાં ગણવામાં આવશે. આ સિવાય, સમાધાન અથવા ટ્રિબ્યુનલની કાર્યવાહી દરમિયાન હડતાલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

માલિકોના હિતમાં નિયમો બદલાયા

હડતાળના નવા નિયમોને લઈને સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે, હડતાળના 14 દિવસ પહેલા નોટિસ આપવાના નિયમથી અચાનક થનારી હડતાળ અને તાળાબંધીને રોકી શકાશે તથા ઉત્પાદન પર થતી અસરને રોકી શકાશે. સાથોસાથ આ નિયમથી વિવાદનું જલ્દી યોગ્ય નિવારણ લાવવામાં પણ મદદ મળી રહેશે. આ નિયમથી એમ્પ્લોયર અને એમ્પ્લોઈ બંનેનું આર્થિક નુકસાન અટકાવી શકાશે. નવા નિયમથી હડતાળનો ઉપયોગ શિસ્તબદ્ધ રીતે થાય એવું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હડતાળ સાથે જોડાયેલા નવા નિયમોનું કેટલાક મજૂર સંગઠનો વિરોધ કરી રહ્યા છે. મજૂર સંગઠનોના મત મુજબ માલિકોના હિતમાં હડતાળના નવા નિયમો બદલવામાં આવ્યા છે. હડતાળ માટે પહેલા નોટિસ આપવી પડશે. જો આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું તો તે ગેરકાયદે ગણાશે તેમ જ મજૂર સંગઠનની માન્યતા પણ રદ્દ થઈ જશે.

આ પણ વાંચો…નવા લેબર કોડથી દરેક કર્મચારીને થશે આ 5 લાભ: સલામતીની મળશે ગેરંટી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button