ચૂંટણી ટાણે રામ યાદ આવ્યા? AAPના સુંદરકાંડના કાર્યક્રમો અંગે ભાજપની ટિપ્પણી
નવી દિલ્હી: સમગ્ર દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા ઠેરઠેર સુંદરકાંડના આયોજનો થઇ રહ્યા છે. આવા જ એક રોહિણી વિસ્તારમાં યોજાયેલા સુંદરકાંડમાં સીએમ કેજરીવાલ તેમના પત્ની સાથે પહોંચ્યા હતા. AAP દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દર મહિનાના પ્રથમ મંગળવારે દિલ્હીમાં તમામ વિધાનસભા મતવિસ્તારોમાં આવેલા મંદિરોમાં સુદરકાંડના પાઠ તથા હનુમાન ચાલીસા પઠનનો કાર્યક્રમ યોજવામાં આવશે. સાંસદો-ધારાસભ્યોએ કાર્યક્રમને લગતી તમામ તૈયારીઓ કરવાની રહેશે.
અગાઉ દિલ્હી સરકારમાં કેબીનેટ પ્રધાન સૌરભ ભારદ્વાજ પણ સુંદરકાંડના પાઠના આયોજનમાં સામેલ થયા હતા. એક તરફ અયોધ્યામાં રામ મંદિરના કાર્યક્રમને રાજકીય રંગ આપવા મુદ્દે આપ-કોંગ્રેસ સહિતના વિપક્ષો ભાજપ પર સતત આક્ષેપો કરી રહ્યા છે તેવામાં બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા સુંદરકાંડ-હનુમાન ચાલીસાના પઠનના કાર્યક્રમો યોજાતા ભાજપે પણ સવાલો ઉઠાવ્યા હતા.
ભાજપ પ્રવક્તા બાંસુરી સ્વરાજે ટિપ્પણી કરી હતી કે ચૂંટણીના સમયે જ કેજરીવાલને ભગવાન રામ અને સુંદરકાંડ યાદ આવી રહ્યા છે. જ્યારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હતી ત્યારે પણ તેમણે સુંદરકાંડ પાઠના કાર્યક્રમની જાહેરાત કરી હતી, અને હવે લોકસભા ચૂંટણીને પગલે તેઓ ફરી આયોજન કરી રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે રામ મંદિરના મુદ્દે તેઓ ભાજપને ઘેરવા જતા પોતાની છબીને નુકસાન ન થાય એ માટે પ્રયાસો કરી રહ્યા છે.
મહત્વનું છે કે 22 જાન્યુઆરીએ પ્રભુ શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ રહી છે. 16 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિઓ નવનિર્મિત મંદિરના આસન પર બિરાજમાન થશે. 22 જાન્યુઆરીના રોજ નક્કી થયેલા મુહૂર્તમાં મૂર્તિ પરના નેત્ર આવરણો પીએમ મોદી ખોલશે અને પંડિતો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરાવાશે.