Diabetesના દરદી છો અને કેરી ખાવાનું મન થાય છે ? તો પહેલા આ વાંચી લો
બળબળતો બપોર અને ઉકળાટ સહન કરવો પડતો હોવા છતા આપણે ઉનાળાની સિઝનની રાહ જોઈએ છીએ તેનું એક કારણ બાળકોનું વેકેશન અને બીજું છે ફળોનો રાજા કેરી. આ સિઝનમાં કેરી ખાવાની મજા સૌ કોઈ લે છે ત્યારે એક એવો મોટો વર્ગ છે જેમણે કેરી ખાતા પહેલા અને પછી સો વિચાર કરવા પડે છે. આ વર્ગ એટલે કે ડાયાબિટીસના દરદીઓ.
ડાયાબિટીસથી પીડિત લોકોને કેરીને ટાળવાની સલાહ આપવામાં આવે છે. કેરીમાં પ્રાકૃતિક ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જે લોહીમાં શર્કરાના સ્તરને વધારે છે. તે જ સમયે, ડાયાબિટીસના દર્દીઓમાં હાઈ બ્લડ સુગર લેવલ ગંભીર સ્થિતિનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં, કેરી ખૂબ જ પસંદ હોવા છતાં, ડાયાબિટીસના દર્દીઓને કેરી ખાવાનું ટાળવાની ફરજ પડે છે.
જો કે, જો તમે પણ આ લોકોમાંથી એક છો, એટલે કે તમને ડાયાબિટીસ છે અને તમને કેરી પણ પસંદ છે, તો આ લેખ તમારા માટે મદદરૂપ થઈ શકે છે. કારણ કે અમે તમને એવી ત્રણ ટીપ્સ આપવાના છીએ જેને અનુસરી તમે કેરી ખાવાની ઈચ્છા સંતોષી શકો છો. જોકે આમ કરતા પહેલા તમારે તમારા તબીબી નિષ્ણાતની સલાહ લેવાની છે.
આ અંગે ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે એક મધ્યમ કદની કેરીમાં લગભગ 50 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે. આવી સ્થિતિમાં તમે દિવસમાં અડધી કે એક કેરી ખાઈ શકો છો. જો કે આ દરમિયાન કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે…
કાર્બોહાઇડ્રેટથી ભરપૂર ખોરાક સુગર લેવલને ઝડપથી વધારી શકે છે. આવી સ્થિતિમાં કેરી ખાતા પહેલા હાઈ ફાઈબર અને હેલ્ધી ફેટથી ભરપૂર વસ્તુઓનું સેવન કરો. આ માટે તમે એક કપ ચિયા સીડ્સ (Salvia hispanica-ફૂદીના પ્રજાતિની વનસ્પતિ) આખી રાત પલાળીને અને અડધા લીંબુનો રસ પી શકો છો અને બદામ કે અખરોટને આખી રાત પલાળીને ખાઈ શકો છો. આ વસ્તુઓ પછી કેરી ખાવાથી શુગર લેવલ અચાનક નહીં વધે.
કેરી ખાઓ તો તમે જે રોજ કસરત કરો છો તેના કરતા થોડી વધારે કસરત કરવાનું કે ચાલવાનું રાખો. આ સાથે શક્ય હોય તો તમારા બીજા ડાયેટમાં ફેરફાર કરો, જેમાં કાર્બ્સનું પ્રમાણ વધારે છે.
ત્રીજી નુસખો છે તે કેરી ખાવાની રીત સાથે જોડાયેલો છે. કેરીને લીધે શરીરને તકલીફ ન પડે તે માટે તમારે માત્ર કેરી જ ખાવાની છે, કેરીનો રસ, શેક, આઈસક્રીમ કે બીજી કોઈ વસ્તુઓ ન ખાઓ. કેરી કાપી તેમાં કંઈપણ ઉમેર્યા વિના તેને ખાવાથી કેરી ખાવાની મજા પણ માણશો અને શૂગર લેવલ કન્ટ્રોલમાં પણ રહેશે.