ધ્રુવ રાઠીએ ફરી વિવાદ છેડ્યોઃ AI વીડિયોથી શીખોની ભાવનાને ઠેસ પહોંચાડ્યાનો આરોપ

નવી દિલ્હી: જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠી ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. આ વખતે તેમના પર શીખોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ધ્રુવ રાઠીએ ‘ધ રાઇઝ ઓફ સિખ’ શીર્ષકથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા જનરેટ કરેલો એક વીડિયો બનાવ્યો છે અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પંજાબમાં તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. શીખ સમુદાય આ કૃત્યને શીખ ધર્મગુરુઓનું અપમાન ગણાવી રહ્યો છે અને લોકોએ ધ્રુવ રાઠી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
દિલ્હી સરકારના પ્રધાન મનજિંદર સિંહ સિરસાએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ લખીને આ વીડિયોની નિંદા કરી છે. તેમણે લખ્યું છે, “હું ધ્રુવ રાઠીના તાજેતરના વીડિયો ‘સિંખ યોદ્ધા જિસને મુગલોં કો ભયભીત કર દિયા’ની નિંદા કરું છું, જે માત્ર તથ્યાત્મક રીતે ખોટો જ નથી, પરંતુ શીખ ઇતિહાસ અને ભાવનાઓનું ઘોર અપમાન પણ છે. સાહસ અને દિવ્યતાના અવતાર શ્રી ગુરુ ગોબિંદ સિંહ જીને એક બાળક તરીકે રડતા દર્શાવવું એ શીખ ધર્મની મૂળ ભાવનાનું અપમાન છે, જે નિડરતા, સ્થિતિસ્થાપકતા અને ચઢદી કલાનું પ્રતીક છે.”
પવિત્ર ઇતિહાસ સાથે ચેડાંને ક્યારેય સહન નહીં કરે
તેમણે તેમની પોસ્ટમાં આગળ લખ્યું, “ડીએસજીએમસીએ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારા વારંવારના ગુનાઓ માટે તેમના યુટ્યુબ એકાઉન્ટની સમીક્ષા કરવાની માંગ કરી છે. દિલ્હી પોલીસે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ઇરાદાથી જાણીજોઈને અને દુર્ભાવનાપૂર્ણ કૃત્યો માટે કલમ 295 એ હેઠળ ધ્રુવ રાઠી વિરુદ્ધ એફઆઈઆર નોંધવી જોઈએ. શીખ સમુદાય ‘કોંગ્રેસના એક પિઠ્ઠુ, દ્વારા પોતાના પવિત્ર ઇતિહાસ સાથે ચેડાંને ક્યારેય સહન નહીં કરે!”
આ પણ વાંચો….જાસૂસ જ્યોતિ મલ્હોત્રાના કેસમાં વધુ એક નવો ખુલાસો, હવે ઓડિશાની યુટ્યુબર સંકટમાં