નેશનલ

પુરુષો માટે ધોતી-કૂર્તો, મહિલાઓ માટે સાડી.. વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં ડ્રેસકોડ લાગુ કરવાની વિચારણા

વારાણસી: કાશી વિશ્વનાથ મંદિરના સત્તાધીશો દ્વારા મંદિરમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે ડ્રેસકોડ લાગુ કરવાનો ટૂંક સમયમાં જ નિર્ણય લેવાઇ શકે છે. મંદિર ટ્રસ્ટની આગામી બેઠકમાં આ અંગે ચર્ચા થશે. નવેમ્બર મહિનામાં જ આ બેઠક યોજાઇ શકે છે. જો નિર્ણય લેવાય તો પુરુષો માટે ધોતી-કુર્તા અને મહિલાઓ માટે સાડી જેવા પરિધાનનો નિયમ અમલમાં મુકાઇ શકે છે.

હાલના તબક્કે તો આ નિયમ વિચારણાહેઠળ છે, હાલ મંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે કોઇ ડ્રેસકોડ નથી. પરંતુ ગર્ભગૃહમાં ખાસ પૂજાવિધિ કરાવતા મહિલાઓ અને પુરુષો માટે ચોક્કસ પરિધાનનો નિયમ લાગુ કરવામાં આવશે તેવી શક્યતાઓ છે.

કાશી વિશ્વનાથ મંદિરના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શનાર્થીઓને ચોક્કસ કપડા પહેરવા ફરજિયાત નથી પરંતુ પૂજાઅર્ચના કરતા લોકોને ખાસ પોશાક આપવામાં આવશે. તેમજ મંદિરના પૂજારીઓને પણ ગરમી અને ઠંડીમાં રક્ષણ માટે અલગ અલગ વસ્ત્રો અપાશે. જેના પર મંદિર ટ્રસ્ટનો લોગો પણ હશે.

વારાણસી પીએમ મોદીનો સંસદીય ક્ષેત્ર છે અને કાશી વિશ્વનાથ મંદિરના નવનિર્માણમાં લગભગ 3 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. તેમજ કુલ સાતસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 13 ડિસેમ્બર 2021ના રોજ પીએમ મોદીએ કાશી વિશ્વનાથ મંદિરના નવા સ્વરૂપનું લોકાર્પણ કર્યું હતું. કાશી વિશ્વનાથ ધામને વધુ વિકસિત કરાતા વારાણસીમાં ધાર્મિક પર્યટન વધ્યું છે. કાશી વિશ્વનાથ ધામને ગંગા તટ સુધી વિસ્તારવામાં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ ભારે વધારો થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button