NEET પરીક્ષાની ચર્ચા મામલે ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન કહ્યું “કોંગ્રેસ જ ચર્ચાથી ભાગી રહી છે, બાકી સરકાર તૈયાર છે”
નવી દિલ્હી: NEET-UG પરીક્ષામાં ગેરરીતિના મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું (Dharmendra Pradhan) નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી NEET પર ચર્ચાથી ભાગી રહી છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે લોકસભા અને રાજ્યસભા બંનેના સ્પીકર્સે કહ્યું છે કે રાષ્ટ્રપતિએ તેનો ઉલ્લેખ કર્યો છે અને અમે પણ કહી રહ્યા છીએ કે અમે તેના પર ચર્ચા કરવા તૈયાર છીએ. પરંતુ કોંગ્રેસ વિદ્યાર્થીઓનું હિત ઈચ્છતી નથી.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે કહ્યું હતું કે સરકાર મેડિકલ પ્રવેશ માટે NEET-UG પરીક્ષા અંગે ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ તે પરંપરા મુજબ અને મર્યાદાની અંદર થવી જોઈએ. તેમણે કહ્યું કે કોંગ્રેસ ચર્ચા નથી ઈચ્છતી અને તેઓ તેનાથી ભાગી રહ્યા છે. તેઓ માત્ર અરાજકતા અને મૂંઝવણ ઇચ્છે છે અને સંસ્થાકીય તંત્રની સમગ્ર કામગીરીને વિઘ્નો ઉત્પન્ન કરવા માગે છે.
શિક્ષણ મંત્રીએ કહ્યું કે કોંગ્રેસ જે મુદ્દે ચર્ચા કરવા માંગે છે તેના પર રાષ્ટ્રપતિએ જ વાત કરી છે. તેમણે પ્રક્રિયામાં પડકારો અને ખામીઓને સ્વીકારીને કહ્યું હતું કે આપણે તેમાં પર ધ્યાન આપવું પડશે. પ્રધાને કહ્યું કે સરકાર વતી મેં સ્પષ્ટ કહ્યું કે અમે કોઈપણ પ્રકારની ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ કોંગ્રેસ વિદ્યાર્થીઓના મુદ્દા પર ચર્ચા કરવા માંગતી નથી, તેઓ ઈચ્છે છે કે મામલો આ રીતે જ પેચીદો રહે.