ધરમ કરતા ધાડ પડીઃ વીસીને હૉસ્પિટલએ લઈ જવા વિદ્યાર્થીઓએ છીનવી જજની ગાડી ને…
ગ્વાલિયરઃ ઘણીવાર તમે સારું કરવા જાઓ ને થઈ જાય કંઈક એવું કે સમસ્યાનો ઉકેલ આવવાને બદલે નવી સમસ્યા ઊભી થઈ જાય. આવું જ કંઈક મધ્ય પ્રદેશના ગ્વાલિયરના વિદ્યાર્થીઓ સાથે થયું, જેમણે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરનો જીવ બચાવવા મહેનત કરી પણ કંઈક એવું થયું કે પોલીસ સ્ટેશન જવાનો વારો આવ્યો.
હકીકતમાં આ સમગ્ર ઘટના દિલ્હીથી ગ્વાલિયર આવી રહેલી દક્ષિણ એક્સપ્રેસમાં શરૂ થઈ હતી. રવિવારે રાત્રે, શિવપુરીની પીકે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રણજીત સિંહ યાદવ (68) તેમના કેટલાક વિદ્યાર્થીઓ સાથે દિલ્હીથી ગ્વાલિયર આવી રહેલી દક્ષિણ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે ટ્રેન આગ્રા પહોંચી ત્યારે વીસીને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો અને તેમની તબિયત બગડવા લાગી. મુરેના પહોંચ્યા ત્યાં સુધીમાં રણજીત સિંહ યાદવની તબિયત બગડી ગઈ હતી. આ જોઈને તેની સાથે હાજર વિદ્યાર્થીઓ ચિંતામાં પડી ગયા. વિદ્યાર્થીઓએ રેલવે હેલ્પલાઈન પર મદદ માંગી હતી. જોકે તે પહેલા જ તેઓ ગ્વાલિયર રેલ્વે સ્ટેશન આવતા જ તેઓ વીસીને લઈ ટ્રેનમાંથી ઉતરી ગયા. અહીં, જ્યારે વિદ્યાર્થીઓને હોસ્પિટલ સુધી પહોંચવામાં કોઈ મદદ ન મળી, ત્યારે તેમણે પ્લેટફોર્મ નંબર-1ની બહાર હાઈકોર્ટના જસ્ટિસ સંજીવ એસ. કાલગાંવકરની કાર સાથે ઉભેલા ડ્રાઈવરને વીસીને હોસ્પિટલમાં લઈ જવા વિનંતી કરવામાં આવી હતી. પરંતુ ડ્રાઈવર આ માટે તૈયાર ન થતાં વિદ્યાર્થીઓએ ડ્રાઈવર પાસેથી ચાવી છીનવી લીધી હતી.
આ પછી વિદ્યાર્થીઓ વીસીને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તપાસ બાદ ડોક્ટરોએ વીસી રણજીત સિંહ યાદવને મૃત જાહેર કર્યા. અહીં પોલીસને જજની કારની લૂંટની માહિતી મળતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. શહેરને કોર્ડન કરી લેવામાં આવ્યું હતું, જો કે, પોલીસને થોડા સમયમાં જ માહિતી મળી કે જજની ગાડી હૉસ્પિટલ બહાર પડેલી છે.
મળતી માહિતી અનુસાર જે વિદ્યાર્થીઓ વીસીને હોસ્પિટલ લઈ ગયા તેઓ એબીવીપીના કાર્યકરો હતા. આવી સ્થિતિમાં, જ્યારે ગ્વાલિયરના એબીવીપી કાર્યકર્તાઓને ખબર પડી કે વીસીનો જીવ બચાવવા માટે તેમના સાથી એબીવીપી કાર્યકર્તાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે, ત્યારે સોમવારે રાત્રે મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકરો અહીના પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેમણે આખી રાત વિરોધ પ્રદર્શન કર્યું અને એફઆઈઆર પરત ખેંચવા માગણી કરી હતી. જોકે હજુ સુધી આ અંગે સત્તાવાર માહિતી મળી નથી.