નેશનલ

ફ્લાઈટમાં વિલંબ અને મુસાફરોને હાલાકી મામલે એર ઈન્ડિયા પર તવાઈ, DGCAએ ફટકારી નોટિસ

નવી દિલ્હી: એવિયેશન રેગ્યુલેટર DGCAએ એર ઈન્ડિયા (Air India) ની બે ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં ભારે વિલંબ અને મુસાફરોને યોગ્ય સુવિધાઓમાં આપવામાં નિષ્ફળ રહેવા મામલે એવિયેશન કંપની સામે આકરૂ વલણ અપનાવ્યું છે. DGCAએ એરલાઈન્સને કારણ બતાવો નોટિસ ફટકારી છે. આ નોટિસમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ 30 મેના રોજ દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કોની ફ્લાઈટ AI 183 અને 24 મેના રોજ મુંબઈથી સાન ફ્રાન્સિસ્કોની ફ્લાઈટ AI 179માં બિનજરૂરી વિલંબનો ઉલ્લેખ કરીને જવાબ માંગ્યો છે.

એર ઈન્ડિયાની બંને ફ્લાઈટ્સ કેબિનની અંદર તાપમાન નિયંત્રણના અભાવે મોડી પડી હતી અને મુસાફરોને ઘણી માનસિક તાણનો સામનો કરવો પડ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે ફ્લાઈટ્સમાં વિલંબ અને મુસાફરોને પડતી અસુવિધાનો મુદ્દો નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના ધ્યાનમાં આવ્યો છે. જે બાદ એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી છે.

30 મેના રોજ નવી દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બાળકો અને વૃદ્ધો સહિત લગભગ 200 લોકો સવાર હતા. 30 મેની સાંજે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટના મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક મુસાફરનું કહેવું છે કે શરૂઆતમાં ટેકનિકલ ખામીના કારણે પ્લેનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને મુસાફરોને અન્ય પ્લેનમાં બેસાડવામાં આવ્યા હતા જેમાં એસી કામ કરતું ન હતું.

આ પણ વાંચો : સોનાની દાણચોરી માટે એર હોસ્ટેસે અજમાવ્યો આ કીમિયો, ખુલાસો કરતા થઈ ગઈ ધમાલ

એસીના અભાવે પ્લેનમાં સવાર કેટલાક લોકો બેભાન થઈ ગયા હતા. એર કન્ડીશનીંગ સિસ્ટમ કાર્યરત ન હોવાને કારણે મુસાફરોને 8 કલાક સુધી એસી વગર બેસી રહેવું પડ્યું હતું. લોકો બેહોશ થવા લાગ્યા. તેની તબિયત બગડવા લાગી. મુસાફરોને એરપોર્ટ પર પાછા જવા માટે એરોબ્રિજ ફાટક ખુલવા માટે એક કલાક સુધી રાહ જોવી પડી હતી.

આ ફ્લાઇટના કેટલાક મુસાફરોએ સોશિયલ મીડિયા પર આ વિલંબની ફરિયાદ કરી હતી. એરલાઇનના એક અધિકારીએ જણાવ્યું કે પ્લેનમાં ટેકનિકલ સમસ્યા હતી, જેની તપાસ કરવામાં આવી હતી. વિલંબને કારણે ક્રૂને તેમની ફરજનો સમય પુરો થઈ ગયો હતો અને જો પ્લેન ટેકઓફ કરીને સાન ફ્રાન્સિસ્કો પહોંચી ગયું હોત તો પણ પ્લેનને રાત્રે લેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવી ન હોત. મુસાફરોને સંપૂર્ણ રિફંડ, ફ્રી રિશેડ્યુલિંગ અને હોટલમાં રોકાણનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.

DGCAએ નોટિસમાં જણાવ્યું છે કે એર ઈન્ડિયા વિરુદ્ધ મુસાફરોની સુવિધા સાથે સંબંધિત માપદંડોને ધ્યાનમાં ન રાખવાના ઘણા મામલા તેના ધ્યાન પર આવ્યા છે. DGCAનું કહેવું છે કે, “એર ઈન્ડિયા મુસાફરોની કાળજી લેવામાં વારંવાર નિષ્ફળ જઈ રહી છે. તે એરલાઈન્સ દ્વારા મુસાફરોને આપવામાં આવતી સુવિધાઓની જોગવાઈઓનું પણ પાલન નથી કરી રહી. એર ઈન્ડિયાએ તેનો જવાબ આપવો પડશે કે તેની સામે પગલાં કેમ ન લેવા જોઈએ?”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button