
લુધિયાણાઃ પંજાબના લુધિયાણા જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. આ અકસ્માત કઈ રીતે થયો તે મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આ અકસ્માત ડ્રાઈવરની ભૂલના કારણે થયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બોલેરો પિકઅપ ગાડી મલેરકોટલા રોડ પર બનેલા પૂર પરથી નહેરમાં ખાબકી હતી. જેના કારણે બે બાળકો સહિત 6 લોકોનું મોત થયું હતું. જેમાંથી 5 લોકો નહેરમાં લાપતા હોવાની પણ આશંકા છે. આ ગાડીમાં કુલ 25 લોકો સવાર હતા.
નૈના દેવીના દર્શન કરી પાછા આવતા નડ્યો અકસ્માત
અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. બોલેરો ગાડી લઈને આ લોકો હિમાચલ પ્રદેશમાં નૈના દેવીના દર્શન કરીને પોતાના ઘરે પાછા આવી રહ્યાં હતાં. પોલીસે જ્યારે પ્રાથમિક તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે ગાડી ઓવરલોડ હતી અને ડ્રાઈવર પણ ફૂલ સ્પીડે ગાડી ચલાવી રહ્યો હતો. આ દરમમિયાન ઓવરટેક કરતી વખતે ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો અને ગાડી પુલ તોડીને નહેરમાં ખાબકી હતી.
છ મૃતકોમાંથી બે મૃતકોની ઓળખ હજી થઈ નથી
ડ્રાઈવરની ભૂલના કારણે 6 લોકોનું મોત થયું છે. ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતા. આ અકસ્માતમાં 52 વર્ષીય જરનૈલ સિંહ, 58 વર્ષીય મનજીત કૌર, દોઢ વર્ષની બાળકી સુખમન કૌર અને 8 વર્ષીય આકાશદીપ સિંહનું મોત થયું છે, જ્યારે બે મૃતકોની ઓળખ કરવામાં આવી નથી. પોલીસે જણાવ્યું કે, સ્વર્ણજીત કૌર, ભાગ સિંહ, કાકા સિંહ, સરબજીત કૌર, સુરિન્દર સિંહ, જસવિન્દર કૌર, કમલજીત કૌર અને સંદીપ કુમાર આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયાં છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
એક જ મહિનામાં લુધિયાણામાં ત્રણ અકસ્માતો થયા
લુધિયાણામાં આ મહિનામાં ત્રણ અકસ્માતો થયાં છે. પહેલો અકસ્માત 6 જુલાઈન રોજ લુધિયાણામાં એક ઓડી કારચાલકે એક્ટિવા અને લારી ચાલકને અડફેટે લીધા હતાં. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા હતાં. બીજો અકસ્માત 22મી જુલાઈના રોજ એક ઇમારત ધરાશાયી થઈ હતી. જો કે, તેમાં કોઈ જાનહાનિ નહોતી થઈ. જ્યારે ત્રીજો અકસ્માત આજે થયો છે. જેમાં 6 લોકોના મોત થયા હોવાના અહેવાલો મળ્યાં છે.
આ પણ વાંચો…નોઇડામાં નબીરાએ જીવલેણ અકસ્માત સર્જ્યો: BMW કારથી સ્કૂટરને ટક્કર મારી, 5 વર્ષની બાળકીનું મોત