‘વિકસિત ભારત 2047’ નો રોડ મેપ તૈયાર, PM મોદીની અધ્યક્ષતામાં 8 કલાક ચાલી મંત્રી પરિષદની બેઠક

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) રવિવારે મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી જે બેઠક લગભગ 8 કલાક સુધી ચાલી હતી. બેઠકમાં ઘણા મંત્રાલયોએ તેમના ભાવિ એજન્ડા પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. મીટિંગમાં, વડા પ્રધાન મોદીએ તેમની સરકારની 10 વર્ષની સફળતાઓ અને ભાવિ પ્રાથમિકતાઓ, ખાસ કરીને 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ (Developed India by 2047) બનાવવાના લક્ષ્યની વિગતવાર ચર્ચા કરી હતી.
એપ્રિલ-મે મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણીને (Loksabha Election 2024ને) ધ્યાનમાં રાખીને આજે યોજાયેલી બેઠકને મહત્વની માનવામાં આવી રહી છે. આજની બેઠકમાં મે, 2024માં નવી સરકારની રચના બાદ તાત્કાલિક અમલીકરણ માટેના 100 દિવસના એજન્ડા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રી પરિષદે વિકસિત ભારત 2047 માટેના વિઝન ડૉક્યુમેન્ટસ અને આગામી 5 વર્ષ માટે વિગતવાર કાર્ય યોજના પર ચર્ચા કરી હતી. 2 વર્ષથી વધુ સમયની સઘન તૈયારી બાદ વિકસિત ભારતનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. તે તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારો, શિક્ષણવિદો, ઉદ્યોગ સંસ્થાઓ, નાગરિક સમાજ, વૈજ્ઞાનિક સંગઠનો સાથે વ્યાપક પરામર્શ પછી તૈયાર કરવામાં આવ્યું છે. આ માટે 2700 થી વધુ બેઠકો, વર્કશોપ અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારને 20 લાખથી વધુ યુવાનોના સૂચનો મળ્યા છે.